ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારાની શક્યતા

Files Photo
નવી દિલ્હી, સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ નો ભાવ ૯૪ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. પરંતુ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાંત્રણ મહિનાથી કોઈ ફેરફાર નથી થયો. જાેકે, આ પરિસ્થિતિ લાંબો સમય ટકવાની નથી.
ક્રૂડ ઓઇલના ભાવ સતત વધતા જાય છે, પરંતુ ભારતમાં સરકારે ભાવ બાંધી રાખ્યા છે. સરકાર ચૂંટણી પૂરી થાય તેની રાહ જુએ છે અને મતદાન પૂર્ણ થતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા છે. સોમવારે આંતરરાષ્ટ્રીટ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૯૪ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો હતો. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું આગમન થયું ત્યારે કાચા તેલના ભાવમાં ઘટાડો થયો હતો.
પહેલી ડિસેમ્બરે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટીને ૬૯ ડોલર થઈ ગયો હતો જે ૪ નવેમ્બરે ૮૧ ડોલર હતો. પરંતુ ઓમિક્રોનનું જાેખમ ઘટતા જ તેમાં ફરીથી તેજી આવી છે. યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવે પણ તેમાં ભૂમિકા ભજવી છે.
ચોથી નવેમ્બર પછી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ૧૨ ડોલર પ્રતિ બેરલ એટલે કે ૧૫ ટકાનો વધારો થયો છે. જ્યારે ભારતમાં સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. India Ratings and Researchમાં પ્રિન્સિપાલ ઇકોનોમિસ્ટ સુનિલ કુમાર સિંહાએ જણાવ્યું કે ઘરેલુ ઓઈલ કંપનીઓનો વ્યવહાર ઇકોનોમિક્સના બદલે રાજકારણ પર આધારિત છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર ઇંધણના ભાવ વધી રહ્યા છે, તો ભારતના લોકોએ પણ ચૂંટણી પછી મોટો આંચકો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. સિંહાએ જણાવ્યું કે ચૂંટણી પછી સ્થાનિક ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરી શકે છે જેથી અત્યારે થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરી શકાય. તેના કારણે મોંઘવારી પર અસર પડશે અને ચીજવસ્તુઓના ભાવો વધી જશે.
ગ્રાહકો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ થોડોથોડો વધારો થાય તેને સહન કરી શકશે, પરંતુ એક સાથે ઇંધણના ભાવ વધી જશે તો તેને સહન કરવા મુશ્કેલ પડશે.HS