દેશ ‘ઝનૂન નહીં કાનૂન’થી ચાલે બંધારણ સર્વોપરી: કર્ણાટક હાઈકોર્ટ
બેંગ્લુરુ, કર્ણાટકના ઉડુપીની સરકારી યુપી મહિલા કોલેજથી શરૂ થયેલો હિબાજનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન આકરી ટીપ્પણી કરી હતી.
રાજયમાં હિજાબ અને ભગવા દુપટ્ટા-ખેસ અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે કોર્ટે કહ્યું કે આ દેશ ભાવનાઓ અને ઝનુનથી નહીં કાયદા અને બંધારણથી ચાલશે. દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ રાજ્યમાં બધી જ સ્કૂલ-કોલેજાે ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક તત્વો રાજ્યની શાંતિ ડહોળવા માગે છે.
ઉડુપીની સરકારી પીયુ મહિલા કોલેજની છ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને સ્કૂલમાં જવાબ મુદ્દે કરેલી અરજીની મંગળવારે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. વધુમાં આ મુદ્દે હાઈકોર્ટમાં ચાર અરજીઓ થઈ છે અને વધુ બેવિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે ચારેય અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી.
ન્યાયાધિશ ક્રિષ્ના એસ. દિક્ષિતની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, અમે ભાવના અને ઝનૂનથી નહીં, તર્ક અને કાયદાથી ચાલીશું. દેશના બંધારણમાં જે વ્યવસ્થા અપાઈ છે, અમે તે મુજબ ચાલીશું. બંધારણ અમારા માટે ભગવદ્ગીતા સમાન છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે શીખ સમુદાય સંબંધિત વિદેશની અદાલતોના આદેશોને ટાંકતા કહ્યું, શીખોની બાબતમાં માત્ર ભારતની કોર્ટ જ નહીં કેનેડા અને બ્રિટનની કોર્ટે પણ તેમની પ્રથાને આવશ્યક ધાર્મિક પરંપરા તરીકે સ્વીકારી છે.
હિજાબ પહેરવાના અધિકારની માગણી કરતી વિદ્યાર્થિનીઓ તરફથી સિનિયર એડવોકેટ દેવદત્ત કામતે જણાવ્યું કે, પવિત્ર કુરાનમાં હિજાબ પહેરવાને આવશ્યક ધાર્મિક પરંપરાઓ ગણાવાઈ છે. કુરાનની આયત ૨૪.૩૧ને ટાંકીને તેમણે કહ્યું કે ગળાથી નીચેના ભાગનું પ્રદર્શન પતિ સિવાય બીજા કોઈ માટે ન થવું જાેઈએ.
સવાલ એ છે કે શું આ પરંપરા હટાવવાથી સંબંધિત ધર્મનું મૂળ ચરિત્ર બદલાઈ જાય છે. ધાર્મિક અધિકાર ક્ષેત્રની બહાર જઈને કોઈ ધાર્મિક પરંપરાની ધર્મનિરપેક્ષતાનું પરીક્ષણ કરી શકાય નહીં. તેમણે ઉમેર્યું કે, હિજાબ પહેરવો બંધારણની કલમ ૨૧ હેઠળ પ્રાઈવસીના અધિકારમાં આવે છે. આ કેસમાં બુધવારે પણ સુનાવણી ચાલુ રહેશે.
દરમિયાન કર્ણાટકમાં હિજાબ વિરુદ્ધ ભગવા દુપટ્ટા-ખેસનો વિવાદ વકરી રહ્યો છે. આ વિવાદના પગલે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ રાજ્યમાં બધી જ સ્કૂલ-કોલેજાેને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કેટલાક તત્વો હિજાબ વિવાદને અકારણ ઉશ્કેરી રહ્યા છે. તેમણે બધા જ વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાાનેન્દ્રએ હિજાબ મુદ્દે દેખાવો કરી રહેલા લોકોને રાજ્યમાં શાંતિ જાળવવા અપીલ કરતાં ચેતવણી આપી હતી કે પોલીસને બળ પ્રયોગ કરવાની તક ના આપશો. ઉડુપી, શિવમોગા, બગલકોટ અને અન્ય વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં તંગદિલી પ્રવર્તતા ગૃહમંત્રીએ આ ચેતવણી આપી હતી.
ઉડુપીની કોલેજમાં વર્ગખંડમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધનો મુદ્દો અન્ય કોલેજાેમાં પણ ફેલાયો છે. અને હવે આખા રાજ્યમાં આ વિવાદ હિજાબ વિરુદ્ધ ભગવા દુપટ્ટા-ખેસમાં ફેરવાઈ ગયો છે.
આ મુદ્દે શિવમોગા અને બગલકોટમાં હિંસક વિરોધ પ્રદર્શનની ઘટનાઓ પણ ઘટી છે. અહીં પથ્થરમારા પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો. આ વિવાદના પગલે શિવમોગામાં કલમ ૧૪૪ લાગુ કરાઈ છે. રાજ્યમાં અનેક સ્કૂલ-કોલેજાેમાં હિજાબ અને ભગવા ખેસ પહેરવા મુદ્દે વિદ્યાર્થીઓના જૂથો આમને-સામને આવી ગયા હતા.HS