સમજદાર મુસ્લિમો મારી સાથે, કારણ કે તમારા સુખ માટે કામ કર્યું: મોદી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રામપુર, બદાયુ અને સંભલના મતદારોને સંબોધન કરતા એકબાજુ યોગી સરકારના કામકાજની પ્રશંસા કરી તો બીજીબાજુ મુસ્લિમોને પણ સાધવાનો પ્રયાસ કરતા ત્રણ તલાકનો ઉલ્લેખ કરીને કહ્યું કે યોગી સરકાર મુસ્લિમો માટે પણ સારી છે.
વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ રેલીમાં જણાવ્યું કે, આટલા દાયકાઓ સુધી આપણી મુસ્લિમ બહેનોને ત્રણ તલાકની કુરીતિમાં જકડી રાખવામાં આવી હતી. હવે મુસ્લિમ બહેનો વિરુદ્ધ આવા પગલાં ઉઠાવનારા ૧૦૦ વખત વિચાર કરે છે. મુસ્લિમ બહેનોને હવે સલામતીનો અનુભવ થયો છે. ક્યારેક લોકોને લાગે છે કે ત્રણ તલાક વિરુદ્ધ મેં જે કાયદો બનાવ્યો તે બહેનો માટે તો સારો છે, પરંતુ પુરુષો નારાજ છે.
હકીકતમાં ત્રણ તલાક ખતમ કરીને લાખો પિતા, માતા અને ભાઈઓને આશ્વસ્ત કર્યા છે કે હવે તેમની પુત્રી અચાનક પાછી નહીં આવે.
દરમિયાન પંજાબમાં પણ સૌપ્રથમ વર્ચ્યુઅલ રેલીને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી રાજ્યને અનિશ્ચિતતામાંથી બહાર કાઢીને ‘નવા’ પંજાબનો ઉદય કરવા માટે છે.
ભાજપ અને તેના સાથી પક્ષો હંમેશા શીખ પરંપરા સાથે ઊભા રહ્યા છે. તેઓ રાજ્યના વિકાસ માટે તાજેતરમાં જ જાહેર કરાયેલા ૧૧ સંકલ્પો માટે કટિબદ્ધ છે. ભાજપ પંજાબમાં અમરિન્દર સિંહના પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહ ઢિંડસાના શિરોમણી અકાલી દળ (સંયુક્ત) સાથે મળીને ચૂંટણી લડી રહ્યો છે.
દરમિયાન દેશ-વિદેશમાં હાલ દક્ષિણ ભારતના ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુનની લોકપ્રિય ફિલ્મ ‘પુષ્પા’ ખૂબ જ લોકપ્રિય બની છે ત્યારે ઉત્તરાખંડના પિથૌરાગઢ ખાતે ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ ‘પુષ્પા’ના રંગે રંગાયા હતા.
પિથૌરાગઢ જિલ્લા સ્થિત ગંગોલીહાટમાં આ ફિલ્મનો ડાયલોગ બોલતા રાજનાથ સિંહે કહ્યું કે, ‘આજ કાલ ફિલ્મ પુષ્પાનું નામ ઘણું ચર્ચાઈ રહ્યું છે. આપણા મુખ્યમંત્રીનું નામ પુષ્કર છે, પરંતુ આ સાંભળીને કોંગ્રેસના લોકો સમજે છે કે આ પુષ્કર તો ફ્લાવર છે, પરંતુ હું તમને કહેવા માગું છું કે ‘અપના પુષ્કર ફ્લાવર ભી હૈ ઔર ફાયર ભી. હમારા પુષ્કર ના કભી ઝુકેગા, ના કભી રુકેગા.’HS