Western Times News

Gujarati News

બ્લાસ્ટ કેસના ૪૯ આરોપીને ૧૧મીએ સજા ફટકારાશે

અમદાવાદ, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલી સજાની સુનાવણી દરમિયાન સજાની સુનાવણી માટે ૧૧ તારીખે સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે તેમ જાહેર થયું.

સુનાવણી દરમિયાન સરકારી વકીલે આરોપીઓને મહત્તમ સજા થાય તે માટે દલીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે તથા વાલ્મિકી દરરોજ નથી થતા કે આ સુધરી જાય તેમ કહ્યું હતું. સામે બચાવ પક્ષે આરોપીઓને એક તક મળવી જાેઈએ તેવી દલીલ કરી હતી. આ સાથે જ સજાની જાહેરાત માટે ૩ સપ્તાહના સમયની માગણી કરી હતી.

સરકારી વકીલે સુરંગ કાંડની ઘટના પણ યાદ કરાવી હતી. અમદાવાદના ઈતિહાસનો એ કાળો દિવસ જ્યારે ૨૬ જુલાઈ, ૨૦૦૮ના રોજ અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા.

આ કેસમાં ૧૪ વર્ષ સુધી ચાલેલી લડત બાદ મંગળવારે ઐતિહાસિક ચુકાદામાં દેશમાં પહેલી વખત ૪૯ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બોમ્બ બ્લાસ્ટની તે ઘટનામાં ૨૦ સ્થળોએ ૨૧ ધડાકા થયા હતા જેમાં ૫૬ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી.

આ કેસમાં કોર્ટે કુલ ૭૮ પૈકીના ૪૯ આરોપીઓને યુએપીએઅંતર્ગત દોષિત જાહેર કર્યા હતા. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત યુએપીએઅંતર્ગત ૪૯ આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. દોષિતો પૈકીના ૧ અયાઝ સૈયદે તપાસમાં મદદ કરી હોવાથી તેને તાજનો સાક્ષી માનીને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે ૨૮ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

આ બ્લાસ્ટની જવાબદારી ઈન્ડિયન મુજાહિદીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઈસ્લામી નામના ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી. સુનાવણી દરમિયાન આ કેસના કેટલાક આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા જ્યાંથી તેમણે સુરંગ ખોદીને ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

કાવતરાખોરોએ વિસ્ફોટનો સમય એવી રીતે ગોઠવ્યો હતો કે, શહેરના વિવિધ વિસ્તારોમાં બ્લાસ્ટ બાદ પીડિતોને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે વિસ્ફોટો થાય જેથી બચાવ કામગીરીમાં સામેલ લોકોમાં ભય વ્યાપે અને મોટી જાનહાનિ થાય.

આ સમગ્ર કેસમાં કુલ ૯૯ આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા જે પૈકીના ૮૨ની ધરપકડ કરવામાં આવી હતી અને ૮ આરોપી હજુ પણ ભાગેડુ છે. આ કેસમાં ૧,૧૬૩ સાક્ષીની જુબાની લેવામાં આવી હતી જ્યારે ૧,૨૩૭ સાક્ષીને સરકારે પડતા મુક્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.