Western Times News

Gujarati News

વેજલપુરમાં મ્યુનિસિપલ ઓફીસ બહાર જ નકલી પોલીસે ૧૮ હજારથી વધુની લુંટ કરી

fake police officers arrested

ઘટના સ્થળથી પોલીસ ચોકી ૩૦૦ મીટરનાં અંતરે

(પ્રતિનિધિ) અમદાવાદ, એક તરફ પોલીસ પોતે સતર્ક હોવાના અને શહેર સુરક્ષીત હોવાના દાવા કરતી રહે છે. બીજી તરફ ગુનેગારો તેમના દાવાનો છેદ ઉડાડતાં હોય એમ ગુના આચરતા રહે છે. ત્યારે વેજલપુર પોલીસ ચોકીથી ગણતરીના અંતરે જ આવેલી મ્યુનિસિપાલીટીની ઓફીસ આગળ ભરબપોરે પોલીસની ઓળખ આપી કાકા-ભત્રીજાને લુંટી લેવાની ઘટના બનતાં ચકચાર મચી છે.

આ અંગેની વિગત એવી છે કે ધર્મેન્દ્રભાઈ માલી બાપુનગર ખાતે રહે છે અને છુટક મજુરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે હાલમાં તે વેજલપુરમાં આવેલી મ્યુનિસિપાલીટીની ઓફીસમાં ટાઈલ્સ લગાવવાનું કામ કરે છે. આશરે દસ દિવસ અગાઉ રાબેતા મુજબ ધર્મેન્દ્રભાઈ તેમના ભત્રીજા સોરભ સાથે કામ પર આવ્યા હતા અને બપોરે એક વાગ્યે બંને નાસ્તો કરવા જતાં હતા ત્યારે મ્યુનિસિપલ ઓફીસના ગેટ આગળ જ બે ઈસમો એક્ટિવા ઉપર બેસીને તેમની નજીક આવ્યા હતા બાદમાં પોલીસ તરીકેની ઓળખ આપીને પોતાનું પર્સ પડી ગયુ હોવાની વાત કરી હતી.

જેથી બંને કાકા-ભત્રીજાએ તેમને કોઈ પર્સ નથી મળ્યું તેમ કહેતાં બંને લુંટારાએ તમારું પર્સ ચેક કરવા દો તેમ કહી છરી બતાવીને સૌરભને લાફાં માર્યા હતા અને તેના પર્સમાંથી રૂપિયા ૧૮,પ૦૦ લુંટી લીધા હતા. બાદમાં બંને ઈસમો ત્યાંથી એક્ટિવા ઉપર બેસીને રફુચક્કર થઈ ગયા હતા.

આ ઘટના અંગે ધર્મેન્દ્રભાઈએ તેમના કોન્ટ્રાકટરને જાણ કરી હતી, બાદમાં રાજસ્થાન ગયા હતા જયાંથી પરત ફરીને તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં લુંટની ફરીયાદ નોંધાવી હતી, લુંટની ફરીયાદ નોંધાતા પોલીસ પણ સક્રીય થઈ છે અને લુંટારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે ઘટના સ્થળથી વેજલપુર પોલીસ ચોકી આશરે ૩૦૦ મીટર દુર જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.