Western Times News

Gujarati News

વ્યાજખોરોના ઊંચા વ્યાજ અને ધમકીથી કંટાળી વીમા એજન્ટે ઝેરી દવા પીધી

પ્રતિકાત્મક

બેભાન યુવાનને સારવાર અર્થે ખસેડાયો, ૪ જણ સામે ફરિયાદ નોંધાઈ

આણંદ, આણંદ તાલુકાના વલાસણ ગામે રહેતા અને વીમા એજન્ટ તરીકે ફરજ બજાવતા યુવાને આણંદના ચાર વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. જે ૪૦ ટકા જેટલું ઉંચુ વ્યાજ આપી પરત કર્યા હતા. તેમ છતાં આ ચારેય જણા તેનો પીછો છોડતા નહોતા

અને વધુ નાણાં માંગી તારા ઘરનાને વેચી દે નહીં તો મારી નાંખીશુ તેવી ધમકીઓ આપતાં હતા. જેથી ના છૂટકે યુવાને ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ મામલે ત્રાસ આપનાર ચાર વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વલાસણ નીલાજન રેસીડેન્સીમાં વિકાસ ઓમપ્રકાશ પંડિત પોતાના પરિવાર સાથે રહે છે અને વીમા એજન્ટ તરીકે કામ કરે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન તેમણે તેમની સાથે અગાઉ કોટક મહિન્દ્રા બેંકમાં નોકરી કરતા કાનનબેન જીગરભાઈ શાહ, હિરેનભાઈ ત્રિવેદી, અલ્પેશ ગોપાલભાઈ પ્રજાપતિ આણંદ પાસેથી અંગત વપરાશ માટે જરૂર પડતા ટુકડે ટુકડે વ્યાજે રૂપિયા લીધા હતા.

આ નાણાં પંદર દિવસ, મહિનાના વ્યાજે ૧૦ ટકાથી ૩૦ ટકા સુધી નક્કી કરે તેમણે કાનનબેન પાસેથી રૂા.૧૩ લાખ લીધા હતા. આ નાણાં તેમણે ચેક અને રોકડેથી વ્યાજ સાથે પરત કર્યા હતા. આ બાબતે લખાણ હોવા છતાં ધમકીઓ આપી વધારે નાણાંની માંગણી કરતા હતા.

છેલ્લે દરરોજ રૂા.૨૫૦૦ આપવા પડશે નહિં તો તમારા પિતાને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હેરાન પરેશાન કરતા હતા. વિકાસે આ ઉપરાંત અલ્પેશ ગોપાલભાઈ પ્રજાપતિ રહે.આણંદ પાસેથી ઘરના સભ્યોના છુપાવીને ટુકડે ટુકડે રૂા.સાતેક લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી. તેનું ચુકવણુ પણ અઢારેક લાખ જેટલું તેમણે કરી લીધું હતું. તેમ છતાં તેઓ પણ ગાળો બોલી ધમકીઓ આપતા હતા.

આ ઓછું હોય તેમ ઈદ્રીશભાઈ વ્હોરા ઉર્ફે સોનુ સાથે અલ્પેશે ત્રણથી ચાર મહિના અગાઉ પરિચય કરાવ્યો હતો. તેઓ પાસેથી પણ વિકાસે રૂા.નવેક લાખ લીધા હતા. તેમને પણ વિકાસે રૂા.૩૦થી ૪૦ ટકા વ્યાજ સહિત નાણાં ચૂકતે કર્યા હતા. રૂા.બે લાખ જાેઈતા હોય તો બે દિવસમાં રૂા.૨.૪૦ લાખ પરત આપવા તે રીતે નાણાં લેવાયા હતા.

ઉચ્ચક વ્યાજે નાણાં લઈ વિકાસે ઈદ્રીશ વ્હોરાને રૂા.૨ લાખ જેટલા નાણાં આપ્યા હતા. તેમ છતાં તેઓ રૂા.૧૪ લાખ બાકી છે તેમ કહી ઉઘરાણી કરતા હતા. ભારત ટ્રાવેલ્સ ચલાવતા ઈદ્રીશભાઈ તેમના ઘરે આવી તેમની વેગેનાર પણ ધાકધમકીઓ આપી લઈ ગયા હતા. આ લોકો તેમની પત્નીને ઉઠાવી જવાની ધમકીઓ આપતા હતા.

એટલે તેઓ છુપાઈને રહેવા લાગ્યા હતા. આ ચારેય જણા અલગ અલગ સમયે તેમના ઘરે આવી તપાસ કરી જતા હતા. છેલ્લે ઈદ્રીશે તેમની પાસેથી રૂા.૬.૮૦ લાખ, અલ્પેશે રૂા.પાંચ લાખની માંગણી કરી હતી. અને કહેતા હતા તારા ઘરના તમામ લોકોને વેચી દે તારી પત્નીને વેચી દે પણ અમને નાણાં આપ.

જેથી વિકાસે ગોળીઓનો ભુક્કો કરી ગળી લીધો હતો અને પત્નીને ફોન કરી બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે તેના નિવેદનના આધારે ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યાે હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.