‘હું ભુવો છું, તારો પતિ મારા શરીરમાં આવે છે, કહી મહિલા સાથે કર્યુ એવું કામ કે વિધવાએ ઝેર ધોળ્યું
વડોદરા, ત્રીજી લહેરમાં તાજેતરમાં જાન્યુઆરીના અંતમાં કોરોનાથી ચેપગ્રસ્ત થયેલી યુવતીના હોમક્વોરન્ટાઈન દરમિયાન એક ભુવાના બળાત્કારનો ભોગ બની હતી, ત્યાર પછી ભુવા દ્વારા આપવામાં આવતાં ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠેલી મહિલાએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યાે હોવાની ઘના છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પંથકમાં બની હતી.
વડોદરાના એક મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સારવારના બિછાને પડેલી મહિલાએ પોલીસને આ કથની કહેતા પોલીસે ભુવાની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામે રહેતી ૩૩ વર્ષની વિધવાના પતિનું કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ગત મે ૨૦૨૧માં મૃત્યુ થયું હતું. આ મહિલા ગત જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણ બાદ કોરોનાથી ચેપગ્રસ્ત થઇ હતી. મહિલાના પતિનો મિત્ર વાસણા ગામેજ રહેતા ભુવાજી ઉર્ફે જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઈ કાળુભાઈ પરમારને મહિલાના કોરોના અંગેની જાણ થઈ હતી.
મહિલાનો ડોક્ટરની સલાહ મુજબ હોમ ક્વોરન્ટાઈન થવાનું હતું. જેથી આ ભુવાજીએ તેના પરિવારના અન્ય સભ્યોને કોરોનાનો ચેપ ન લાગે તેના માટે તેના ઘરે ઉપરનો માળ ખાલી હોવાનું જણાવીને હોમ ક્વોરન્ટાઈન ત્યાં થવા માટે સલાહ આપી હતી.
પારિવારિક સંબંધ હોવાના નાતે આ મહિલા ભુવાના નિવાસસ્થાને હોમ ક્વોરન્ટાઈન થઈ હતી. તેના બે દિવસ બાદ ભુવાજીએ મહિલાના રૂમમાં ઘુસી જઈને તેના પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યાે હતો. તેની સાથે કોઈને વાત કહેશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.