અંતિમ સંસ્કારના ૨૦ દિવસ બાદ પુત્ર જીવતો પાછો આવ્યો
જયપુર,રાજસ્થાનના પાલી જિલ્લામાં અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની ખોટી ઓળખના કારણે પરિવારજનોએ બીજા યુવકના અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, ૨૦ દિવસ બાદ મૃતક પાસેથી મળેલા આધાર કાર્ડની અસમંજસમાં અજાણ યુવકને પુત્ર માનીને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. યુવકના બારમાની વિધિ પણ કરી દેવામાં આવી હતી.
પરંતુ ૨૦ દિવસ પછી શુક્રવારે યુવક જીવતો મળતા પરિવારજનોમાં ખુશીનો પાર રહ્યો ન હતો. હવે પોલીસ આ બાબતને લઇને ચકરાવે ચડી છે. જે મોતને ભેટયો એ યુવક કોણ હતો. ઉલ્લેખનીય છે કે, ૧૭ સ્ટેમ્બરે જોધપુરના મંડોર વિસ્તારમાં મદ્યરાજજીના ટાંકા પાસે અકસ્માતમાં એક યુવક ટ્રેનની અડફેટે આવ્યો હતો.
અકસ્માતમાં યુવકાના શરીર બે ત્રણ ટૂકડામાં વહેચાઇ ગયું હતું. મંડોર પોલીસે મૃતક પાસેથી મળેલા આધાર કાર્ડથી ઓળખ કરી હતી. આ યુવક પાલી જિલ્લાના બાડિયામાં રહેતા પ્રકાશ હતો. પોલીસે યુવકના પરિવારજનોને બોલાવીને લાશને સોંપી દીધી હતી. આધારકાર્ડના આધાર ઉપર પરિવારજનોએ લાશ સ્વીકારી લીધી હતી. અને મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
ત્યારબાદ તેના બારમાની વિધિ પણ કરી દીધી હતી. પરંતુ આવી સ્થિતિ વચ્ચે બિલતા બાડિયા ગામમાં રહેતા કાલુરામને બે દિવસ પહેલા શુક્રવારે જોધપુરમાં પ્રકાશનો સામનો થયો હતો. તે પ્રકાશને જોઇને હેરાન થઇ ગયો હતો. તેણે તરતજ પ્રકાશના પિતા અને ભાઇને આ અંગે જાણકારી આપી હતી. જેથી તેઓ જોધપુર પહોંચ્યા તો પ્રકાશ જીવત મળતા તેઓ આશ્ચર્યમાં પડયા હતા.
પ્રકાશે જણાવ્યું કે તેનું આધાર કાર્ડ ૨ મહિના પહેલા ખોવાઇ ગયું હતું. જે કદાચ અકસ્માતમાં મોતને ભેટેલા યુવકને મળ્યું હતું. એજ આધાર કાર્ડથી પોલીસે મૃતકની ઓળખ કરવામાં આવી હતી. અને પરિવારજનોએ પણ તેને સ્વીકારી લીધી હતી. પ્રકાશ જોધપુરમાં રહીને મજૂરી કરે છે. તેની પત્ની ૫-૬ મહિના પહેલા જ તેને છોડીને ચાલી ગઇ હતી. પ્રકાશ પોતાની પાસે મોબાઇલ રાખતો ન હતો. શુક્રવારે પરિવારજનો પ્રકાશને પરત પોતાના ગામ લઇને આવ્યા હતા. જયાં તેનું ઢોલ નગાડાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ પોલીસ ફરીથી તપાસમાં લાગી હતી કે, મૃતક યુવક કોણ હતો.