વિઝાના બહાને મહિલા પાસેથી તાંત્રિકે ૨૭ લાખ લૂંટ્યા
અમદાવાદ, ગાંધીનગરના રહેવાસીએ મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા એક વ્યક્તિના પરિવાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, જેમણે તેના પતિને તેની બીમારીનો ઈલાજ કરવાનું તેમજ તેમના બાળકોને કેનેડાના વિઝા અપાવવાનું કહીને પૈસા પડાવી લીધા હતા અને વચન પાળ્યું નહોતું.
રાંદેસરણની વેલી સોસાયટીમાં રહેતા ૪૬ વર્ષીય ઉષા સોનીએ બંને હેતુસર આરોપી કાંતી પરમારને ૨૭ લાખ રૂપિયા આપ્યા હતા. ઈન્ફોસિટી પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં તેણે કહ્યું હતું કે, ૨૦૧૯માં ગાંધીનગરના એક મંદિરમાં તેની મુલાકાત પરમાર સાથે થઈ હતી.
પરમારે પોતાની ઓળખાણ તાંત્રિક તરીકે આપી હતી. મહિલાએ તેને તેનો પતિ ૨૦૧૧માં અકસ્માત થયા બાદ પથારીવશ હોવાનું કહ્યું જણાવ્યું હતું. પરમારે મહિલાને કેટલીક વિધિથી સંપૂર્ણ રીતે તેમના પતિને સ્વસ્થ કરી દેવાની વાત કહી હતી.
કાંતી પરમાર બાદમાં પતિની સારવારના બહાને ઘણીવાર મહિલાના ઘરે ગયો હતો. ઓગસ્ટ ૨૦૧૯માં, મહિલાએ પરમારને તેના બંને બાળકો ઉર્વી અને જેનિલને આગળના અભ્યાસ માટે કેનેડા મોકલવા માગતા હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને તેણે તે વિઝા એજન્ટ પણ હોવાનું અને જાે તેઓ ૨૭ લાખ રૂપિયા આપે તો મદદ કરી શકે છે તેમ કહ્યું હતું.
કાંતી પરમારે દીકરા જીગર પરમાર અને પત્ની શેલ્વીનો પરિચય ઉષા સોની સાથે કરાવ્યો હતો અને વિઝા સંબંધિત કામમાં બંને મદદ કરતા હોવાનું જણાવ્યું હતું. ખાતરી થયા બાદ, મહિલાએ ઓક્ટોબર ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ની વચ્ચે હપ્તામાં પરમારને ૨૭ લાખ રૂપિયા આપ્યા હતા. જાે કે, કોવિડ-૧૯ મહામારી ફેલાતા, ઉષાએ પરમારને વિઝાની પ્રક્રિયા અટકાવવા અને પૈસા પરત કરવા માટે કહ્યું હતું.
પરંતુ પરમારે તે પૈસા જરૂરિયાતમંદ વ્યક્તિને આપ્યા હોવાથી પરત આપી શકે તેમ ન હોવાનું મહિલાને કહ્યું હતું. પરમારે તે ૨૭ લાખ રૂપિયાથી ઓક્ટોબર, ૨૦૨૦માં તેના દીકરા જીગરને લંડન મોકલ્યો હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો હતો. એપ્રિલ ૨૦૨૧માં, પરમાર કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો અને બાદમાં મ્યુકરમાઈકોસિસ હોવાનું નિદાન થયું હતું.
૧૦ ડિસેમ્બરે સારવાર દરમિયાન હાર્ટ અટેક આવતા પરમારનું નિધન થયું હતું. હાલમાં, ઉષા સોનીએ ફરીથી પોતાના પૈસા પરત માગવા માટે જીગરને ફોન કર્યો હતો, શેલ્વીએ કથિત રીતે ઉષા સોનીને ફરીથી ફોન કર્યો તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. તેથી, બાદમાં તેમણે ઈન્ફોસિટી પોલીસનો સંપર્ક કર્યો હતો અને જીગર તેમજ શેલ્વી પરમાર સામે વિશ્વાસઘાત, છેતરપિંડી, ગુનાહિત ધાકધમકી તેમજ ઉશ્કેરણીનો ગુનો નોંધાવ્યો હતો.SSS