વડોદરામાં દેશી ગાય નિભાવ ખર્ચ માટે ૩૦૮ લાભાર્થીઓને વાર્ષિક ૧૦,૮૦૦ રૂપિયા મળ્યા
વડોદરા, કુદરતને આધીન ખેતી એ આપણા સમૃદ્ધ પ્રાચીન વારસાનો એક ભાગ છે. જાેકે, ખેતીના નવીનીકરણ અને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વપરાશે વેગ પકડ્યો પછી એ વારસાગત ખેતીની અવગણના થઈ. પરંતુ, હવે સુભાષ પાલેકરે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના રૂપમાં તેને નવો અવતાર આપ્યો છે. રાજ્ય સરકાર આ સાત્વિક કૃષિને વિવિધ રીતે પ્રોત્સાહિત કરી રહી છે.
રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી માત્ર તેના હિમાયતી નથી પણ તેના નિપુણ અનુસરણકર્તા છે.પ્રાકૃતિક ખેતીના વર્તમાન સમયના પ્રણેતા સુભાષ પાલેકરના મત પ્રમાણે દેશી ઓલાદની એક ગાયના ગોબર અને ગૌ મૂત્રમાંથી ઘન અને પ્રવાહી જીવામૃત બનાવી ૬૦ વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. આ જીવામૃત ખાતર અને જંતુનાશક, બંની ગરજ સારે છે અને રસાયણોના વ્યાપક ઉપયોગથી કરેલી ખેતીથી બગડેલી જમીન સુધારે છે.
રાજ્ય સરકારે આત્મા પ્રોજેક્ટના માધ્યમથી દેશી ગાય આધારિત કુદરતી ખેતીને વિસ્તારવા દેશી ગાયના ઉછેર માટે પ્રાકૃતિક ખેતી કરનારને અનુકૂળતા કરી આપવા માસિક નિભાવ ખર્ચ ચૂકવવાની યોજના અમલમાં મૂકી છે તેવી જાણકારી આપતાં આત્માના વાઘોડિયા તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજરે જણાવ્યું હતું કે આ યોજનાની ૨૦૨૦માં શરૂઆત પછી હાલમાં વાઘોડિયા તાલુકામાં દેશી ગાયની મદદથી પ્રાકૃતિક ખેતી કરનારા ૩૦૮ ખેડૂતોને ગૌપાલન માટે નિર્ધારિત માસિક ધોરણે નિભાવ ખર્ચ ચૂકવવામાં આવી રહ્યો છે.
એક ગાય માટે માસિક રૂ.૯૦૦ પ્રમાણે લાભાર્થીને વાર્ષિક રૂ.૧૦૮૦૦નો નિભાવ ખર્ચ મળવાપાત્ર છે. તે પ્રમાણે માત્ર વાઘોડિયા તાલુકામાં જ આ યોજનાના લાભાર્થીઓને એક વર્ષ સુધી પાત્રતા જળવાય તો રૂ.૩૩,૨૬,૪૦૦ જેટલો નિભાવ ખર્ચ ચૂકવવામાં આવે છે, જે દેશી ગાયના ઉછેર અને તેની મદદથી પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ કેટલીક શરતોને આધીન લાભ આપવામાં આવે છે. પહેલી અનિવાર્ય શરત એ છે કે, કૃષીકાર સુભાષ પાલેકર પદ્ધતિ પ્રમાણે પ્રાકૃતિક ખેતી ગીર, કાંકરેજી સહિતની ખૂંધ વાળી દેશી ગાયની મદદથી કરતો હોવો જાેઈએ. જર્સી કે શંકર સંવર્ધિત ગાય લાભ માટે માન્ય નથી.
ખેડૂત પાસે મોટા પ્રમાણમાં જમીન હોય તો સંપૂર્ણ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે એ જરૂરી નથી. ઉપલબ્ધ જમીન પૈકી ઓછામાં ઓછા ૪૦ ગુંઠામાં પ્રાકૃતિક ખેતી કરવાનો અગાઉ નિયમ હતો. હવે ૧ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી હોય અને તેના માટે દેશી ગાયો રાખી હોય તો એક ગાય માટે નિભાવ ખર્ચ મળવા પાત્ર છે. એટલે નાના ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. લાભાર્થીએ રાસાયણિક ઇનપુટનો બિલકુલ ઉપયોગ કર્યાં વગર જ પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે.
હાલમાં તેની કોઈ મુદત નિર્ધારિત નથી એટલે ખેડૂત પાસે દેશી ગાય હોય અને તેની મદદથી પ્રાકૃતિક ખેતી કરે ત્યાં સુધી દર વર્ષે નિભાવ સહાય મળવાપાત્ર છે. આવી ગાયનું પશુપાલન ખાતા દ્વારા ટેગિંગ થયેલું હોવું જાેઈએ.HS