Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ.કોર્પોના ગોતા પાર્કિંગ પ્લોટમાં વાહનોમાં આગ: 36 વાહન બળીને ખાક

અમદાવાદ, અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હતી. પાર્કિંગ પ્લોટમાં પડેલાં વાહનોમાં કોઈ કારણસર આગ લાગતાં 36 વાહન આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાક થઈ ગયાં છે.

ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ત્રણ ગાડી સાથે અધિકારી-જવાનો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે 600 વાહનને સળગતાં બચાવી લીધાં હતાં.

ફાયરબ્રિગેડના ડિવિઝનલ ફાયર અધિકારી ઇનાયત શેખ અને બોડકદેવના ફાયર અધિકારી સહિતનો સ્ટાફ તાત્કાલિક 10 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી જતાં આશરે 600 જેટલાં વાહનો આગમાં ખાક થઈ જતાં બચી ગયાં હતાં.

આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક વ્યક્તિનો ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં ગોતામાં આગનો ફોન આવતાં બોડકદેવ, થલતેજની ફાયરબ્રિગેડની એક ગાડી અને ગજરાજ રવાના થયાં હતાં.

ફાયરની ગાડીઓ પહોંચી ત્યારે 30થી વધુ વાહનો સળગી ગયાં હતાં, આગની ઝપેટમાં ન આવે એ માટે બાકીનાં વાહનોને ફાયરબ્રિગેડના અન્ય જવાનોએ ત્યાંથી દૂર કર્યાં હતાં, જેને કારણે આશરે 600 વાહનો આગની ઝપેટમાં આવતાં બચી ગયાં હતાં.

આજે વધુ પવન હોવાને કારણે આગ વધુ ફેલાઈ હતી. આગનું ચોક્ક્સ કારણ જાણવા મળ્યું નથી. વાહનમાં પેટ્રોલ લીકેજ અથવા વાયરના ખુલ્લા રહેવાથી કોઈ શોર્ટસર્કિટથી આગ લાગી હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.