Western Times News

Gujarati News

મુસ્લિમ છોકરીઓ ભાજપને મત આપવા લાગતા હિજાબ વિવાદ ઊભો કરાયો: મોદી

સહારનપુર, કર્ણાટકથી ઉત્તર પ્રદેશ સુધી હિજાબ વિવાદ અંગે ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશમાં પહેલા તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મહિલાઓ અંગે કહ્યું કે તેઓ ભાજપનું સમર્થન કરવા લાગી છે તેથી તેમને ગેરમાર્ગે દોરવા માટે હિજાબનો વિવાદ ઊભો કરાયો છે.

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પહેલી વખત ફિઝિકલ રેલી કરવા સહારનપુર પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મુસ્લિમ બહેનો, પુત્રીઓ અમારી સ્પષ્ટ નિયત જાણી ગઈ છે. અમે મુસ્લિમ બહેનોને ત્રણ તલાકના અત્યાચારથી મુક્તિ અપાવી છે.

અમે ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો છે, તેણે મુસ્લિમ બહેનોમાં સલામતીની ભાવના પેદા કરી છે. પરંતુ ભાજપને ખુલ્લેઆમ મુસ્લિમ બહેનો, પુત્રીઓનું સમર્થન મળવા લાગતા વોટના ઠેકેદારોની ઊંઘ ખરાબ થઈ ગઈ. તેમને લાગ્યું કે આમને રોકવા પડશે. તેથી મુસ્લિમ બહેન, પુત્રીઓને રોકવા માટે તેઓ નીત નવા રસ્તા શોધી રહ્યા છે. તેઓ તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે, જેથી તેમનું જીવન હંમેશા પછાત રહે. તેથી હિજાબનો વિવાદ ઊભો કરાયો છે.

વડાપ્રધાને ઉત્તરાખંડના શ્રીનગર (ગઢવાલ)માં પણ રેલીને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, બજેટમાં ખેડૂતો માટે અનેક ઐતિહાસિક યોજનાઓ બનાવાઈ છે, જેનાથી ઉત્તરાખંડમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે. જનતા ૧૪મીએ મતદાનના દિવસે ભ્રષ્ટાચારને રોકે.

પરિવારવાદ અને સંપ્રદાયવાદને રોકે. કોંગ્રેસ પર હુમલો કરતાં મોદીએ કહ્યું કે, ભાજપ દહેરાદુનમાં સૈનિકોના સન્માનમાં સૈન્ય ધામ બનાવી રહી છે. કોંગ્રેસે જનરલ બિપિન રાવતને સીડીએસ બનાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે જન. રાવતને ‘રસ્તાનો ગુંડો’ પણ કહ્યા હતા. કોંગ્રેસની વિચારધારા માત્ર સત્તા સુખ સુધી મર્યાદિત છે.

દરમિયાન પ્રિયંકા ગાંધી વાડરાએ લખિમપુર ખીરીમાં ખેડૂતોને કચડી નાંખનારા આશીષ મિશ્રાને મળેલી જમાનતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આજે ખેડૂતોના હત્યારાને જામીન મળી ગયા. હવે તે ખૂલ્લો ફરશે. મોદી સરકારના મંત્રીના પુત્રે છ ખેડૂતોને કચડી નાંખ્યા.

વડાપ્રધાન સારા હોય તો ખેડૂતોને કચડી નાંખનારાના મંત્રી પિતાનું રાજીનામું શા માટે માગ્યું નહીં. શું દેશ પ્રત્યે તેમની કોઈ નૈતિક જવાબદારી નથી? આ સરકારે ખેડૂતોના પરિવારને બચાવ્યા કે તેમની હત્યા કરનારા હત્યારાને.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર હુમલો કરતાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, તેઓ કહે છે કે ગરમી નિકાલ દેંગે, ચરબી નિકાલ દેંગે. શું આ લોકોના મુદ્દા છે. હકીકતમાં તેમણે રોજગારીની તકો ઊભી કરવા પર ધ્યાન આપવું જાેઈએ. તેમની ખોટી નીતિઓના કારણે રાજ્યમાં વેપાર-ઉદ્યોગ ખતમ થઈ ગયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.