સુરેન્દ્રનગરના વસ્તડી સામુહિક આપઘાત કેસઃ ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

સુરેન્દ્રનગર, વઢવાણ તાલુકાના વસ્તડી ગામે રહેતા પરિવારના ચાર સભ્યોએ સામુહીક રીતે ઝેરી દવા પી લેવાનો બનાવ મંગળવારના રોજ બન્યો હતો. ત્યારે આ બનાવમાં પોલીસે ચાર શખ્સો સામે જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડી લેવા તપાસ આરંભી છે.
વઢવાણ તાલુકાના વસ્તડી ગામે રહેતા અંબારામભાઈ ગાંડાભાઈ મોરીનું ખેતર બોરાણા ગામના માર્ગે આવેલુ છે. તેમની આસપાસના બન્ને ખેતરો ગામના એક વ્યકતીની માલિકીના છે. ખેતરના રસ્તે ચાલવા બાબતે છેલ્લા ૧૦ વર્ષોથી બન્ને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ. જેમાં સોમવારના રોજ સાંજના સમયે જેસીબી વડે અંબારામભાઈના ખેતરે જવાનો રસ્તો ખોદી નાંખવામાં આવ્યો હતો.
રસ્તો શું કામ ખોદો છો તેમ પુછતા વસ્તડીના બળવંતભાઈ નારાયણભાઈ પલાણીયા અને વિક્રમભાઈ બળવંતભાઈ પલાણીયા અને બે અજાણ્યા શખ્સો એમ ચાર વ્યકતીઓએ ટાંટીયા ભાંગી નાંખવાની, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
મંગળવારે બપોરના સમયે ૪૮ વર્ષીય અંબારામભાઈ ગાંડાભાઈ મોરી, ૨૩ વર્ષીય બળદેવભાઈ અંબારામભાઈ મોરી, શીતલબેન અંબારામભાઈ મોરી અને શીલ્પાબેન ઘનશ્યામભાઈ મોરીએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં ૧૦૮ દ્વારા ચારેયને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની જાણ થતા બીટ જમાદાર રણજીતસીંહ ચૌહાણ સહીતનાઓ દોડી ગયા હતા.
આ બનાવમાં ઘનશ્યામભાઈ ગાંડાભાઈ મોરીએ બળવંતભાઈ નારાયણભાઈ પલાણીયા અને વિક્રમભાઈ બળવંતભાઈ પલાણીયા અને બે અજાણ્યા શખ્સો સહીત ચાર સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એન.એચ.કુરેશી ચલાવી રહ્યા છે.HS