Western Times News

Gujarati News

નારણપુરા રેલવે ક્રોસિંગથી ગામ સુધીનો રસ્તો પહોળો થશે

અમદાવાદ, ટ્રાફિકજામની સમસ્યા હલ કરવા માટે નારણપુરા રેલવે ક્રોસિંગથી ગામ સુધીનો રોડ પહોળો કરવામાં આવશે. જેના માટે ૨૦૦થી વૃક્ષો કપાશે તેમજ ૭૩ મિલકતોમાં કપાત થશે, જેથી સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ઉગ્ર વિરોધ જાેવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના મોટાભાગના રસ્તા પહોળા હોવા છતાંય ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. તેમાંય નારણપુરા રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીનો રોડ મોટાભાગે કોમર્શિયલ બની ગયો હોવાથી પીકઅવર્સમાં ટ્રાફિકજામનો પ્રશ્ન હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ નારણપુરા ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીનો દોઢ કિલોમીટરની લંબાઈના રોડને પહોળો કરવાની દરખાસ્ત મંજૂર કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નારણપુરા ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીના હયાત ૨૪.૩૮ મીટર એટલે કે લગભગ ૮૦ ફૂટના રોડને ૩૦.૪૮ મીટર એટલે કે ૧૦૦ ફૂટ જેટલો પહોળો કરવા માટે રોડલાઈનનો અમલ કરવા તેમજ કપાતમાં આતી જમીન સંપાદન કરવા માટે આ રોડની કપાતમાં જતી મિલકતોને નોટિસ આપવામાં આવતી હતી. જેના અનુસંધાને સ્થાનિકો વેપારીઓ તેમજ નાગરિકોએ વાંધા રજૂ કર્યા છે.

મ્યુનિસિપિલના પશ્ચિમ ઝોન એસ્ટેટ ખાતાએ રોડને પહોળો કરવા માટે મંગાવેલા વાંધા અને મ્યુનિ દ્વારા વળતર ચૂકવવા માટે રજૂ કરેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપી દેવામાં આવી છે.

દરખાસ્ત અનુસાર રોડલાઈન અંતર્ગત કપાતમાં આવતી અને સંપાદન કરવાની થતી જમીન-મિલકત માટે કલમ ૨૧૮ની જાેગવાઈ હેઠળ નાણાં ચૂકવવાના થાય છે. આ વળતરની રકમ પણ ૩૯૦ અનુસાર કાર્યવાહી કરીને નક્કી કરવામાં આવે છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઠરાવેલા વળતરની રકમ જે તે મિલકતના માલિકને ચૂકવવાની થાય છે. કપાતમાં જતી મિલકત સામે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે નહીં.

સ્ટે. કમિટીની મંજૂરી મળતા હવે નારણપુરા રોડ ઉપરની કપાતમાં જતી તમામ મિલકતોને કલમ ૨૧૨ મુજબ ફાઈનલ નોટિસ ફટકારવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં વધતી જતી ટ્રાફિકજામની સમસ્યાને નિવારવા વિવિધ પગલા લઈ રહેલા મ્યુનિસિપલ તંત્ર દ્વારા હવે મોટા જંક્શન ખાતે મોટી ફૂટપાથને કાપી ડાબી બાજુ જવા માંગતા વાહનચાલકો માટેનો રોડ પહોળો કરાશે.

સ્ટે. કમિટીની ચેરમેન હિતેષબાઈ બારોટે જણાવ્યું કે, ટ્રાફિકની સમસ્યાના નિવારણના ભાગરૂપે પોલીસ અને તંત્ર દ્વારા લેફ્ટ ટર્ન ફ્રી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કેટલાંય જંક્શન ખાતે મોટી ફૂટપાથ નડતરરૂપ બનતી હોવાનું ધ્યાને આવતા મોટા ફૂટપાથ કાપીને નાની કરવામાં કરાશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.