એક કરોડની ગ્રાન્ટ આપવાનું કહી ઠગે સમાજસેવિકા પાસેથી પાંચ લાખ પડાવ્યા
(એજન્સી) અમદાવાદ, આંબાવાડીમાં એનજીઓ માટે સરકારમાંથી એક કરોડની ગ્રાન્ટ આપવાનુ કહીને શાતિર ઠગે સમાજસેવિકા પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા છે. આ ઠગે અન્ય ઘણી મહિલાઓ સાથે પણ ઠગાઇ આચરી હોવાનું સામે આવ્યું છે.
આંબાવાડીમાં રહેતાં મધુબહેન જાદવે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મધુબહેન શાંતિ સેવા ફાઉન્ડેશન તથા ઉત્કર્ષ મહિલા સેવા મંડળના નામે એનજીઓ ચલાવીને સેવા આપે છે. આ એનજીઓમાં વિધવા બહેનોને સહાય આપવાનું કામ તથા ગરીબ ઘરના માણસોને અનાજના વિતરણની સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે.
આ એનજીઓમાં ગરીબ તથા જરૂરિયાતમંદ ઘણી બહેનો આવતી હોય છે. જેથી સરકાર તરફથી મળતી ગ્રાન્ટોની જરૂરિયાત હતી. જેથી આવી ગ્રાન્ટ આપવાનું કામ કરતા અને વેજલપુરમાં રહેતા ચંદ્રકાન્ત મોવડિયાનો મધુબહેને સંપર્ક કર્યો હતો. તેઓ અવારનવાર એનજીઓની ઓફિસ પર આવતા હતા. તેમણે મધુબહેનને ગ્રાન્ટ વિશે વાત કરી હતી.
ચંદ્રકાન્તે મધુબહેનને કહ્યું કે તમારે સરકારમાંથી ગ્રાન્ટ પાસ કરાવવા માટે પૈસા ભરવા પડશે. આમ કહીને ચંદ્રકાન્તે અમુક ડોક્યુમેન્ટ પર સહી કરાવી હતી. ચંદ્રકાન્તે કહ્યા મુજબ મધુબહેન પાસે પૈસા ન હતા જેથી તેમણે તેમના દાગીના ગીરવે મૂકીને પાંચ લાખ રૂપિયા ચંદ્રકાન્તને આપ્યા હતા.
ચંદ્રકાન્તે મધુબહેનને કહ્યું કે તમારા પૈસા ક્યાંય જશે નહીં તમને પંદર દિવસમાં દિલ્હીથી એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ એનજીઓ ઉપર અપાવીશ. અને જાે ગ્રાન્ટ મળે તો આપેલા પૈસા પેટે બે કોરા ચેક મધુબહેનને આપ્યા હતા.
ત્યારબાદ ઘણો સમય થઇ જતાં મધુબહેને ચંદ્રકાન્તને ફોન કરીને કહ્યું કે ગ્રાન્ટ હજી સુધી આવી નથી. આમ કહેતાં ચંદ્રકાન્તે મધુબહેનને કહ્યું કે તમારી કોઇ ગ્રાન્ટ આવવાની નથી તમે થાય તે કરી લો મને ફોન કરવો નહીં. તેમ કહીને ફોન બંધ કરી દીધો હતો.
આ ચંદ્રકાન્તે અન્ય મહિલાઓ સાથે પણ ઠગાઇ કરી હતી. જેમાં ઔડાના મકાન અપાવાનું કહીને વીસ હજાર રૂપિયા લઇ ગયો. કંચનબહેન, મધુબહેન ડાંગર, કવિતાબહેન સાથે પણ સરકારી સહાયના નામે ઠગાઇ કરી. આ સિવાય ઝરિનાખાન પઠાણ પાસેથી બ્યુટીપાર્લર ક્લાસીસ ચલાવવા માટેની ૫૦ લાખની સરકારી ગ્રાન્ટ આપવાને બહાને ચાર લાખ લઇને ગયો હતો.
આમ અલગ અલગ મહિલાઓ સાથે ઠગાઇ આચરી હતી. જેથી મધુબહેને ચંદ્રકાન્ત વિરૂદ્ધ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.