એશિયન ગ્રેનિટોનો FY2022ના Q3 ગાળાનો ચોખ્ખો નફો રૂ. 17.8 કરોડ થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Asian_granito-1024x576.jpg)
ભારતની અગ્રણી ટાઈલ્સ અને બાથવેર ટાઈલ બ્રાન્ડમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીઆઈએલ) નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ ધોરણે રૂ. 436.6 કરોડના અત્યાર સુધીના સર્વોચ્ચ કુલ વેચાણો નોંધાવ્યા હતા.
નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળાના અંતે કન્સોલિડેટેડ ધોરણે કંપનીની એબિટા અને ચોખ્ખો નફો અનુક્રમે રૂ. 37.1 કરોડ અને રૂ. 17.8 કરોડ રહ્યા હતા. ગેસની કિંમતો, રો મટિરિયલ કોલસાની કિંમતો અને આંતરરાષ્ટ્રીય દરે નૂરના ભાવો જેવી ઈનપુટ કોસ્ટના દબાણ છતાં અસરકારક પ્રોડક્ટ મિક્સ તથા ઊંચી કિંમતો સામે મજબૂત વ્યૂહરચનાના પગલે કંપની ઉદ્યોગમાં તેના મોટા હરિફોની સરખામણીએ ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો સૌથી નીચો રહ્યો હતો.
પોતાનો બજાર હિસ્સો તથા વિશ્વ બજારોમાં હાજરી મજબૂત બનાવવા માટે કંપની ટાઈલ્સ અને બાથવેર સેગમેન્ટમાં મોટાપાયે વિસ્તરણની યોજના બનાવી રહી છે અને તેના માટે ત્રણ નવા એકમોની રચના પણ કરી છે.
કંપનીના નાણાંકીય પરિણામો અંગે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2022નો ત્રીજો ત્રિમાસિક ગાળો વેચાણની બાબતે કંપનીના ઈતિહાસનો સૌથી મહત્વનો ત્રિમાસિક ગાળો રહ્યો છે.
કંપનીની મહત્વની ઈનપુટ અને ફ્રેઈટ કોસ્ટમાં વધારો થવા ઉપરાંત તમામ પડકારો તથા પડતરના દબાણ છતાં કંપનીએ કાર્યદક્ષતા, નાણાંકીય અગમચેતી અને હેલ્થી પ્રોડક્ટ મિક્સના કારણે સારા પરિણામો આપ્યા છે. કંપની ત્રિમાસિક ગાળા દરમિયાન તેના કન્સોલિડેટેડ દેવા અને વ્યાજમાં ઘટાડો કરી શકી છે.
અમારા મતે આગામી સમયમાં સ્થાનિક બજારમાં માંગમાં વધારો થશે અને કન્ટેન્ટર ઉપલબ્ધ થવા સરળ બનશે તેમજ નૂર દરોમાં પણ રાહત મળશે જેના પગલે બિઝનેસમાં પ્રગતિ થશે તેવી સંભાવના છે. આના પગલે નિકાસોમાં વધારો થશે. અમને વિશ્વાસ છે કે હવે પછીના ક્વાર્ટરમાં અમે સારા માર્જિન સાથે વધુ સારા આંકડા રજૂ કરીશું.
કંપની તેના વર્તમાન વિસ્તરણ સાથે સારી રીતે પ્રગતિ કરી રહી છે અને વધતી માંગને પહોંચી વળવા, તેના બજાર હિસ્સાને મજબૂત કરવા અને વિશ્વ બજારોમાં હાજરીને મજબૂત કરવા માટે ટાઇલ્સ અને સેનિટરીવેર સેગમેન્ટમાં સુવિધાઓ સ્થાપવા માટે ત્રણ નવી સંસ્થાઓનો સમાવેશ કર્યો છે.”
કંપનીએ ત્રણ નવી કંપનીઓની રચના કરી છે. એસપીસી ફ્લોરિંગ પ્રોડક્ટ્સના ઉત્પાદન અને પછી એજીએલ બ્રાન્ડ હેઠળ તેના માર્કેટિંગ માટે 12 જાન્યુઆરી, 2022ના રોજ એજીએલ સરફેસીસ પ્રાઈવેટ લિમિટેડની રચના કરવામાં આવી છે (જે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની 100 ટકા માલિકીની/સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે).
સેનિટરીવેર પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે અને પછી તેને એજીએલ બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ માટે 7 ફેબ્રુઆરી, 2022ના રોજ એજીએલ સેનિટરીવેર પ્રાઈવેટ લિમિટેડની રચના કરવામાં આવી છે (જે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની 100 ટકા માલિકીની/સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે).
લાર્જ ફોર્મેટ ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ ટાઈલ્સના ઉત્પાદન અને ત્યારબાદ એજીએલ બ્રાન્ડ હેઠળ તેના માર્કેટિંગ માટે 03 ફેબ્રુઆરી, 2022ના રોજ ફ્યુચર સિરામિક પ્રાઈવેટ લિમિટેડની રચના કરવામાં આવી છે (જે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની 100 ટકા માલિકીની/સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે).