મોંઘવારી- રોજગારીના મુદ્દે છટકબારી શોધી પ્રજાને “ખો” આપતા રાજકીય આગેવાનો
કોઈપણ પ્રશ્નોની સાંપ્રત સમયની મુલવણીની જગ્યાએ ભૂતકાળની સ્થિતિએ સરખાવી પ્રશ્નનો છેદ ઉડાડી દેવાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, દેશમાં કોરોનાનો મુદ્દો હાલમાં ટોપ પર છે તેની સાથે સરહદોની સ્થિતિ ચિંતા ઉપજાવે તેવી છે પરંતુ આ બધાની વચ્ચે “મોંઘવારી”નો મુદ્દો ભૂલાયો છે તો રોજગારીને તો કોઈ યાદ કરતું નથી. એમાંય જાે આ મુદ્દાઓને યાદ કરાય તો માધ્યમોને “ખો” આપીને છટકી જવામાં રાજકારણીઓ માહેર હોય છે.
મોંઘવારી દરેક સરકારના સમયમાં હોય છે તેમાં ઘટાડો થતો નથી ઉત્તરોત્તર વધારો થતો રહે છે ર૦૧૧માં જે સ્થિતિ હોય તેની સામે ર૦૧૪માં અલગ હોય, તો ર૦ર૦-ર૧માં કઈક જુદી જ સ્થિતિનું નિર્માણ થતુ જાેવા મળે છે મોંઘવારીનો પ્રશ્ન કાયમ પ્રસ્તુત હોય છે.
દાવા-પ્રતિદાવા થાય છે પણ “ગ્રાઉન્ડ રિયાલીટી” કંઈક અલગ હોય છે કોંગ્રેસ- ભાજપ સહિત પાર્ટીઓના આગેવાનો મોંઘવારીના મામલે છટકબારી શોધી લેતા હોય છે તેમની સમક્ષ કોઈપણ મુદ્દો લાવવામાં આવે કે તુરત જ વર્તમાન સ્થિતિના સંદર્ભમાં તેનું મૂલ્યાંકન કરવાની જગ્યાએ ભુતકાળના વર્ષોમાં જે તે સરકારોની કામગીરી સાથે તુલના કરશે આંતરરાષ્ટ્રીય સ્તરે થતા ફેરફારોની અસર બજારો પર થતી હોય છે પરંતુ રાજકીય આગેવાનો એવો તર્ક રજૂ કરે કે સામે પૂછેલો પ્રશ્ન બીજી દિશામાં ફંટાઈ જતો જાેવા મળે છે.
દરેક રાજકીય પક્ષો ધ્વારા તેમની પાર્ટીના સભ્યો- આગેવાનોને ખાસ કરીને મિડિયા સમક્ષ કઈ રીતે બોલવુ, વર્તવુ તેનું પ્રશિક્ષણ આપવામાં આવતુ હોય છે. પૂરતો અભ્યાસ, મુદ્દાની છણાવટ તથા પત્રકારના પ્રશ્નનો છેદ કઈ રીતે ઉડાડી દેવો તેની મહારત હાંસલ કરનાર બુધ્ધિજીવીને જ “પેનલ”માં મોકલવામાં આવે છે
પાછલા ઘણા સમયથી કોરોના સિવાયના મુદ્દાઓની ચર્ચાઓમાં છેલ્લે તો વાર્તા પૂરી થતી જાેવા મળે છે. મોટાભાગની “ડીબેટો”માંથી કોઈ નિષ્કર્સી નીકળતુ નથી. સામાન્ય પ્રજાને મોંઘવારી, રોજગારી, અને સલામતીના પ્રશ્નો સિવાય કઈ જાેઈતુ નથી
ભૂતકાળમાં સરકારો વખતે શું સ્થિતિ હતી તે જાણવાનો કોઈને રસ હોતો નથી. ભૂતકાળમાં પ્રજાકીય કામો નહી થયા હોય કે તેમાં ઉણપ હશે તેથી જ પ્રજાએ પોતાના મતદાનની તાકાતથી સરકારો બદલી નાંખી છે પરંતુ હકીકત એ છે કે મોંઘવારી-રોજગારી સહિતના પ્રજાલક્ષી મુદ્દાઓની બાબતમાં રાજકીય પક્ષોના આગેવાનો છટકારી શોધીને “ખો” આપી દેતા હોય છે.