ગુસ્સે ભરાયેલા ચોરે ખેત મજૂરની હત્યા કરી નાખી
રાજકોટ, રાજકોટમાં છાસવારે હત્યાના બનાવો સામે આવતા રહે છે. આવો વધુ એક બનાવ શુક્રવારે સામે આવ્યો છે. રાજકોટના કુવાડવાના ખેરડી ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લીલા ચણાની ચોરી કરવા આવેલા યુવાનને ઠપકો આપતા તેણે વૃદ્ધ પર છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં વૃદ્ધનું મોત નિપજ્યું છે. સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા હત્યા તેમજ એટ્રોસીટી અંતર્ગત ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેરડી ગામની સીમમાં આવેલી વાડીમાં ભાગીયા તરીકે કામકાજ કરતા કેશુભાઈ ઉર્ફે કેકડિયો વસુનિયાની હત્યાનો બનાવ સામે આવ્યો છે.
મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ ખેરડી ગામે ભાગીયા તરીકે ખેતીનું કામકાજ કરનાર કેશુભાઈની વાડીએ ૮ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ અજીત સોલંકી નામનો વ્યક્તિ લીલા ચણાની ચોરી કરવા આવ્યો હતો. આ દરમિયાન કેશુભાઈએ અજીતને જમીનમાંથી ચણા ન ખેંચવાનું જણાવી તેને ઠપકો આપ્યો હતો.
ઠપકો આપતાની સાથે જ અજીત સોલંકી ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાયા બાદ અજીત સોલંકીએ કેશુભાઈના ગળા પાસે છરીનો એક ઘા મારી તેમને ગંભીર ઈજા પહોચાડવામાં આવી હતી. સમગ્ર મામલે વૃદ્ધ કેશુભાઈને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કેશુભાઈ દમ તોડતા હત્યાના પ્રયાસનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા કુવાડવા પોલીસને કરવામાં આવતા કુવાડવા પોલીસ તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. બાદમાં કેશુભાઇની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
ઘટનાસ્થળ પર કુવાડવા પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી જરૂરી લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. હાલ કુવાડવા પોલીસ દ્વારા કેશુભાઈની હત્યા મામલે અજીત સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેની વધુ પૂછપરછ પણ ચાલી રહી છે કે, હત્યાના બનાવમાં તેની સાથે અન્ય કોઇની સંડોવણી હતી કે કેમ?SSS