ભારત અમારુ મિત્ર, ચીનના વલણના કારણે તે પડકારોનો સામનો કરી રહ્યુ છેઃ અમેરિકા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Biden-1-1024x576.jpg)
વૉશિંગ્ટન, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના સત્તાવાર નિવાસ સ્થાન અને ઓફિસ ઓફ વ્હાઈટ હાઉસ દ્વારા પહેલી વખત ઈન્ડો પેસિફિક સ્ટ્રેટેજિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
તેમાં કહેવામાં આવ્યુ છે કે, ભારત સરહદ પર ચીનના વલણના કારણે મોટા પડકારો સામે ઝઝૂમી રહ્યુ છે અને ભારત અમેરિકાનુ મહત્વનુ મિત્ર તેમજ વ્યૂહાત્મક ભાગીદાર છે.અમેરિકા અને ભારત દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે એક સાથે કામ કરતા રહેશે.
શુક્રવારે જાહેર કરેલા રિપોર્ટમાં કહેવાયુ છે કે, અમેરિકા માને છે કે, ભારત અને અમેરિકા દક્ષિણ એશિયા તેમજ હિન્દ મહાસાગરમાં એક સરખી વિચારધારા ધરાવતા ભાગીદાર દેશો છે.ભારત ક્વાડ તેમજ બીજા આંતરરાષ્ટ્રિય મંચોના વિકાસ માટેનુ એન્જિન પણ છે.છેલ્લી ચાર સરકારોએ ભારત સાથે સબંધ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.ભારત ઘણી બધી રીતે આગવુ સ્થાન ધરાવે છે.
વ્હાઈટ હાઉસના અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યુ હતુ કે, ભારત મોટા પડકારો સામે ઝઝૂમી રહ્યુ છે.ભારત પર ચીને સરહદ પર જે વલણ અપનાવ્યુ છે તેનો મોટો પ્રભાવ પડ્યો છે.જેના કારણે તેની સાથે કામ કરવા માટે અમેરિકા માટે પણ ઘણી તકો સર્જાઈ છે.
અધિકારીએ કહ્યુ હતુ કે, ભારત સાથે અગાઉની સરકારે જે પણ ઉત્તમ કામગીરી કરી હતી તે આ સરકાર પણ ચાલુ રાખશે.જેથી બંને દેશો વચ્ચેના સબંધને વધારે વ્યાપક અને ઉંડા બનાવી શકાય.અગાઉની ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સહિતની સરકારોએ આ દિશામાં ઘણુ સારુ કામ કરેલુ છે.