રાજ્યની ૯ લાખ બાલિકાઓના ‘નવદુર્ગા બાલિકા પૂજન’નો અવસર બન્યું
-: રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓમાં નવ લાખ બાલિકાઓનું શક્તિ ઉપાર્જન પર્વે પૂજન :-
દિકરીઓને સુપોષિત – સુશિક્ષિત – સુરક્ષિત સ્વાવલંબી બનાવી સક્ષમ રાષ્ટ્રનિર્માણનો અનોખો પ્રયોગ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નવદુર્ગાની ભક્તિના પર્વ નવરાત્રીની નોમને ‘નવદુર્ગા બાલિકા પૂજન’ તરીકે રાજ્યભરમાં ઉજવતાં ૫૩ હજારથી વધુ આંગણવાડીઓની ૯ લાખ બાલિકાઓનું પ્રતિકરૂપે પૂજન કરીને બેટી બચાવો – બેટી પઢાઓ સાથે નારી સશક્તિકરણનો સંદેશ ગાંધીનગરથી પ્રસરાવ્યો હતો. સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરના ઉદઘાટન અને નવદુર્ગા બાલિકા પૂજનના આ પ્રસંગે મહિલા બાળ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરી બહેન, મુખ્યસચિવ શ્રી જે. એન. સિંહ, મહિલા-બાળ વિકાસ સચિવ શ્રીમતી મનિષા ચંદ્રા, સચિવ શ્રી મિલિંદ તોરવણે, કમિશનર શ્રી અશોક શર્મા તેમજ ગાંધીનગરના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત માતૃશક્તિ-ભગિની શક્તિ પણ જોડાઈ હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શક્તિ ઉપાર્જનના પવિત્ર પર્વ નવરાત્રીમાં ‘નારી તું નારાયણી’નો ભાવ ઉજાગર કરીને મહિલા સન્માન – વૂમન એમ્પાવરમેન્ટ અને ભાવિ પેઢી સમાન દિકરીઓને સુપોષિત, શિક્ષિત અને સુરક્ષિત તેમજ સ્વાવલંબી બનાવવાનો આ ગુજરાત પ્રયોગ છે.
મુખ્યમંત્રીશ્રીએ મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ-સેવાઓ અને કામગીરીનો છેક આંગણવાડી સ્તરેથી જ નિયમિત ડેટા મળી રહે તે માટે ભારતભરમાં પહેલરૂપ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરનો પણ ગાંધીનગરમાં આ વેળાએ પ્રારંભ કરાવ્યો હતો.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ કરીને મહિલા અને બાળ વિકાસ વિભાગે આ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરમાં એક વિડીયો વોલ તૈયાર કરી છે.
આ વિડીયો વોલ પર આંગણવાડીઓની જિલ્લા ઘટક અને સેન્ટર વાઇઝ કામગીરી, લાભાર્થી બાળકોની હાજરી, આંગણવાડીઓમાં આપવામાં આવતી સુવિધાઓ પર નિયમિત દેખરેખ રખાશે. તેમણે કહ્યું કે આંગણવાડી કાર્યકર બહેનોને સ્માર્ટ ફોન આપવામાં આવ્યા છે જેથી તેમની રોજિંદી કામગીરીનો સીધો જ અહેવાલ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરમાં મળી રહે.
રાજ્ય સરકારે આંગણવાડી બાળકો સાથે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ માટે પણ આર્યન ટેબ્લેટ, રેડી-ટુ-ઇટ પોષક આહાર, દૂધ સંજીવની તહેત પોષણયુક્ત દૂધ વગેરે પૂરાં પાડીને સ્વસ્થ-તંદુરસ્ત અને સુપોષિત રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ કર્યો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આવનારા વર્ષોમાં આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી રાજ્યના બધા જ બાળકો સુપોષિત રહે તેવા સુદૃઢ આયોજનની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
શ્રી વિજયભાઈ રૂપાણીએ આંગણવાડી બાળકોના શરીર-મન- બુદ્ધિના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકારે સક્ષમ-સબળ ભાવિ પેઢી તૈયાર કરવા માટે જે આયામો અપનાવ્યા છે તેની સરાહના કરી હતી.