દેશના ૨૫૭ પોલીસ સ્ટેશન પાસે વાહન નથી
નવીદિલ્હી, ભારતના પોલીસ સ્ટેશનની દારૂણ સ્થિતિને લઇને કેટલીક માહિતી સામે આવી છે. તેમાં જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. દેશના ૨૫૭ પોલીસ સ્ટેશનો પાસે વાહન નથી.
આ સિવાય ૬૩૮ પોલીસ સ્ટેશન ટેલિફોન વગરના છે. ગૃહ મંત્રાલય પર સંસદીય સ્થાયી સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ૨ જાન્યુઆરી, ૨૦૨૦ સુધીમાં વાયરલેસ અથવા મોબાઇલ ફોનની સુવિધા વિનાના ૧૪૩ પોલીસ સ્ટેશન હતાં. દેશમાં કુલ ૧૬૮૩૩ પોલીસ સ્ટેશન છે. સ્થાયી સમિતિનો આ અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ નેતા આનંદ શર્માની આગેવાની હેઠળની સમિતિએ જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે આધુનિક પોલીસ વ્યવસ્થા માટે મજબૂત સંચાર વ્યવસ્થા જરૂરી છે. આ ઉપરાંત કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે અત્યાધુનિક શસ્ત્રો અને પરિવહનના વધુ સારા સાધનો પણ હોવા જાેઇએ.