વહેપારીને માર મારી રૂ.૩ લાખની લૂંટ
શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદઃ ટેમ્પો ચાલક અને તેના સાગરિતોએ કારમાં પણ કરેલી તોડફોડ |
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં અસામાજીક તત્વોનો ત્રાસ દિવસને દિવસે વધી રહયો છે ચોરી, લુંટ, ખૂન તથા મારામારી જેવા બનાવો હવે સામાન્ય થઈ ગયા હોય તેમ લાગી રહયું છે તસ્કરો એટલા બેફામ બન્યા છે કે ધોળા દિવ્સે પણ ગંભીર પ્રકારના ગુના આચરતા ગભરાતાં નથી. ગુનેગારો બેખોફ બનીને કેટલીક વખત બબાલ કરવાની સાથે નાગરીકો સાથે લુંટફાટ પણ આચરતા હોય છે
શહેરીજનો આવા તત્વોના ત્રાસથી મુશ્કેલી અનુભવી રહયા છે અને પોલીસને વારંવાર ફરીયાદ કરવા છતાં પોલીસ તંત્રની નિષ્ક્રીયતા કે કેટલાક લાંચીયા પોલીસને કારણે આવા ગુનેગારો પકડાઈને જેલના સળીયા પાછળ જવાને બદલે પ્રતિદિન વધુ ખુંખાર બની રહયા છે જેના પરીણામે શહેરના વિવિધ વિસ્તારોમાં મારામારી કરીને લુંટફાટ મચાવવાના ગુના બની રહયા છે શહેરકોટડામાં પણ આવો જ એક ગુનો નોંધાયો છે જેમાં કારખાનાના માલિક સાથે ઝઘડો કરીને ટેમ્પો ચાલક તથા તેના સાગરીતે કારની તોડફોડ કર્યા બાદ રૂપિયા ત્રણ લાખ ભરેલી બેગની લુંટ ચલાવી છે.
સુમીતભાઈ અશોકકુમાર ગુપ્તા સ્પંદન બંગ્લોઝ, બાલાજી એન્કલેવ ફલેટ પાસે, મીરાજ સિનેમા પાસે, નવા નરોડા ખાતે રહે છે અને મેમ્કો કલ્યાણનગરની ચાલી ખાતે શુભ લક્ષ્મી મોલ્ડીંગ વર્કસ નામે ટેક્ષટાઈલ મશીનના પાર્ટસ બનાવવાનું કારખાનું ધરાવે છે પોતાના માલની હેરાફેરી માટે સુમીતભાઈ કલ્યાણનગરની ચાલીમાં રહેતા વિનોદ નાગજીભાઈ ખટીકનો ટેમ્પોભાડે રાખે છે.
સોમવારે સુમીતભાઈ પોતાના કારખાનામાં હાજર હતા એ સમયે વિનોદ ખટકી તેમની કાર ત્યાંથી હટાવી લેવા બાબતે ઝઘડો કર્યો હતો જાતજાતામં વિનોદ ઉશ્કેરાઈ ગયો હતો અને મોટી બબાલ કર્યા બાદ તેની સાથે આવેલો અન્ના નામનો તેના સાગરીતે સ્વીફટ કારમાં તોડફોડ કરી મુકતા કારખાનાના કારીગરો પણ ચોંકી ગયા હતા
જયારે સુમીતભાઈના ભાઈ સંજયભાઈ વિનોદ તથા અન્નાને સમજાવવા ગયા તો વિનોદે તેમને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી દરમિયાન વિનોદ અને તેનો સાથીદાર અન્ના સ્વીફટ કારમાં મુકેલી એક કાળા રંગની બેગ લઈને ભાગી ગયા હતા જેમાં સુમીતના કેટલાંક અગત્યના દસ્તાવેજા ઉપરાંત ત્રણ લાખ રૂપિયાની રોકડ રકમ મુકી હતી.
બત્રીસ વર્ષીય સુમિતભાઈએ આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ટેમ્પો ચાલક વિનોદ તથા અન્ના વિરુધ્ધ ઝઘડો કરી મિલ્કતનું નુકસાન કરવા ઉપરાંત લુંટની ફરિયાદ નોંધાવી હતી લુંટની ફરિયાદ મળતા પોલીસ પણ અચંબિત થઈ ગઈ હતી અને વિનોદ તથા અન્નાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરાંત કારખાનાના અન્ય કારીગરોની પુછપરછ કરી સીસીટીવી કેમેરાના કુટેજ પણ મેળવવાની તજવીજ હાથ ધરી છે.