ભિલોડા : મિત્રના લગ્નમાં ગયેલા યુવકની હત્યા કરી કુંભારી તલાવડીમાં નાખી હત્યારાઓ ફરાર
(પ્રતિનિધિ) ભિલોડા, ભિલોડા તાલુકાના પાલ્લા ગામનો યુવક એક્ટિવા પર તેના બે મિત્રો સાથે કુંભારી છાપરા (લીલછા) ગામે તેના મિત્રના લગ્નમાં ગયો હતો બીજા દિવસ સવારે યુવકની હત્યા કરી હત્યારાઓ કુંભારી તલાવડીમાં લાશ નાખી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી લગ્નની મજા માણવા ગયેલ યુવકની હત્યાને પગલે યુવકના પરિવારજનો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા યુવકની હત્યાના પગલે ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પાલ્લા ગામનો યુવક મહેશભાઈ ઉર્ફે કાળુ જગાભાઈ મકવાણા (ઉં.વર્ષ-૨૭) તેના મિત્રો કુલદીપ બાબુભાઈ મકવાણા અને કરણ રાજુભાઈ ભગોરા એક્ટિવા લઇ રવિવારે સાંજે કુંભારી છાપરા (લીલછા) ગામના ભીમા ચંદુભાઈ તરારના લગ્નમાં ગયા હતા બીજા દિવસ સવારે મહેશ ઉર્ફે કાળું ઘરે ન આવતા તેનો ટેલીફોનીક સંપર્ક કરતા ફોન બંધ આવતો હતો.
તેમનો નાનો ભાઈ હરેશ સોમવારે દુકાને જતા તેના શેઠએ મહેશભાઈ ઉર્ફે કાળુંની લાશ કુંભારી તલાવડી ગામમાં પડ્યો હોવાનું જણાવતા હરેશ મકવાણા અને તેમના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી હરેશના મૃતદેહને જોઈ પડી ભાગ્યા હતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી કુંભારી તલાવડીમાં હત્યા કેરેલ હાલતમાં લાશ મળી આવતા ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી.
ભિલોડા પોલીસે મૃતક યુવકના ભાઈ હરેશ જગાભાઈ મકવાણા (રહે,પાલ્લા-ભિલોડા) ની ફરિયાદના આધારે અજાણ્યા હત્યારા સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.