મ્યુનિ.કોંગ્રેસે નશામુક્ત અમદાવાદની માંગણી સાથે સુધારા બજેટ રજૂ કર્યું
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે રૂ. ૨૭૫.૩૭ કરોડના વિકાસના કાર્યો સહિત રૂ. ૩૩૪ કરોડના સુધારા સાથે રૂ. ૯૧૪૧ કરોડનું બજેટ મૂક્યું છે. કોંગ્રેસ પક્ષે ખાસ કરીને આરોગ્ય પર ભાર મૂક્યો છે. તેમજ મ્યુનિ.કોર્પાેરેશનની ખાલી તિજાેરી ભરવા માટે વિવિધ સૂચન પણ કર્યા છે.
મ્યુનિ.વિપક્ષીનેતા શહેઝાદખાન પઠાણે બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે અમે વિકાસ કાર્યો માટે રૂ. ૨૭૫ કરોડ સહિત રૂ. ૩૩૪ કરોડના વધારા સાથે રૂ. ૯૧૪૧ કરોડનું બજેટ મૂક્યું છે. ભાજપ દ્વારા વર્ષ ૨૦૦૬થી ૨૦૨૧ સુધીમાં રૂ. ૭૦૦૦૦ કરોડથી વધુના બજેટ મુક્યા છે.
જેમાં રૂ. ૧૯૦૦૦ કરોડનો તેઓએ ખર્ચ જ કર્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજય સરકાર પાસેથી વર્ષ ૨૦૦૭થી ૨૦૨૨ સુધી ઓકટ્રોય પેટે રૂ. ૨૨૯૦૫ કરોડ લેવાના છે જે હજી સુધી આપ્યા નથી. તેથી નવા નાણાંકીય વર્ષમાં ઓક્ટ્રોયના બાકી લેણાંપેટે સરકાર તરફથી વધારાની ગ્રાન્ટ મળે તે માટે માંગણી કરવામાં આવી છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા બજેટમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં યુવા પેઢી અને વિદ્યાર્થીઓ નશામાં ડૂબેલા છે જેથી તેઓને નશામુક્ત કરવા રિહેબીલેશન સેન્ટર બનાવવા જરૂરી છે. કોરોનાકાળમાં નાગરિકોને થયેલ હાલાકીના કારણે બજેટમાં દરેક વોર્ડમાં ૩૦ બેડની સુવિધા સાથે આઇસોલેશન વોર્ડ બનાવવા જરૂરી છે.
તદુપરાંત સ્ત્રીઓ અને બાળકોને ઝડપી અને વ્યવસ્થિત સારવારમળી રહે તે માટે અલગથી હોસ્પિટલ બનાવવા માટે પણ કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે. AMTS-BRTS, ડમ્પર, રખડતાં ઢોરથી થતા અકસ્માત અને મૃત્યુના કેસોમાં કાયદેસર વળતર તાકીદે આપવાની નીતિ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ બાળકોને મોબાઇલ અને ઈન્ટરનેટની સુવિધાઓ આપવામાં આવે તેવી રજુઆત બજેટમાં કરી છે. ભાજપ પક્ષે બજેટમાં મહિલાઓ માટે માત્ર ૨૧ જ પિંક ટોયલેટ મુક્યા છે પરંતુ કોંગ્રેસ પક્ષે દરેક વોર્ડમાં પિંક ટોયલેટ બજેટમાં મૂકવાની દરખાસ્ત મૂકી છે. કોંગ્રેસ પક્ષે સૂચવેલા સુધારા ભાજપ મૂકી અને પારદર્શિતા સાથે કરવામાં આવે તે જરૂરી છે.
સ્વચ્છતા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી કરોડો રૂપિયાનું બજેટ આવે છે પરંતુ તેમાં ખર્ચ થતો નથી જેથી મોનિટરીગ સેલ બનાવવા માટે અમે રજૂઆત કરી છે.
ઇમપેક્ટ ફીના નિયમોમાં પણ ફેરવિચારણા કરી સરળ અમલીકરણ કરવામાં આવે. શહેરમાં આવેલા અનેક ધાર્મિક સ્થાનોનો વિકાસ કરવામાં નથી આવતો જેથી શહેરમાં આવેલા ૫૦ જેટલા ધાર્મિક સ્થાનોનો વિકાસ કરવામાં આવે. શહેરમાં અલગ અલગ જગ્યાએ જેમ કે આશ્રમ રોડ, એસજી હાઈવે આનંદનગર રોડ, રિલીફ રોડથી કાલુપુર બ્રિજ તરફ એમ ૧૦ જગ્યાએ એસ્કલેટર ફૂટ બ્રિજ બનાવવાની જરૂર છે. મ્યુનિ.કોર્પાેરેશનની આવક વધારવા માટે બગીચાઓમાં એલઈડી મૂકી જાહેરાતની આવક વધારવા માટે વિપક્ષી નેતાએ સૂચન કર્યું છે.