ચેક બાઉન્સ કેસમાં શિવસેનાના સાંસદને ૧ વર્ષની કેદ ફટકારાઈ
મુંબઈ, મહારાષ્ટ્રના પાલઘરની એક કોર્ટે સોમવારે શિવસેનાના સાંસદ રાજેન્દ્ર ગાવિતને ચેક બાઉન્સના એક મામલે દોષી ઠેરવ્યા બાદ એક વર્ષની કેદની સજા સંભળાવી. સાથે જ, વળતર તરીકે ૧.૭૫ કરોડ રૂપિયાનો દંડ પણ કર્યો છે. પાલઘરમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કોર્ટ વી પી ખંડારેની કોર્ટે આદેશ પર અમલ એક મહિના માટે રોકી દીધો, જેથી ગાવિત એપીલેટ કોર્ટમાં એક અપીલ કરી શકે.
ન્યાયધીશે આદેશમાં કહ્યું કે, ‘વળતરની રકમ મોટી છે, એટલે મારા વિચારથી તેની ચૂકવણી માટે સમય આપી શકાય છે. આ રીતે, બંને પક્ષોના વકીલોની દલીલ પર વિચાર કર્યા પછી, હું બંને અરજીને સ્વીકાર કરવા ઈચ્છુક છું અને અપીલેટ કોર્ટમાંથી યોગ્ય આદેશ મેળવવા માટે ૩૦ દિવસનો સમય આપું છું.’ જાેકે ફરિયાદીના વકીલે કહ્યું કે, તેઓ આ આદેશ સામે રિવિઝન અરજી કરશે.
આદેશમાં કહેવાયું છે કે, દોષિતને ૧૫,૦૦૦ રૂપિયાના બોન્ડ અને એટલી જ રકમના જામીન પર મુક્ત કરવામાં આવે. તેમને એક વર્ષની કેદની સજા સંભળાવાય છે અને ૧,૭૫,૦૦૦ રૂપિયા વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવે છે.
ફરિયાદ પક્ષના વકીલ સુધિર ગુપ્તા મુજબ, આ મામલો પાલઘરના સાઈ નગરમાં દોઢ એકર જમીનને લઈને ગાવિત અને ડેવલપર ચિરાગ બાફનાની વચ્ચે વિવાદ સાથે સંબંધિત છે, જે અંતર્ગત સાંસદ દ્વારા અપાયેલા દોઢ કરોડ રૂપિયાનો એક ચેક બાઉન્સ થઈ ગયો હતો.
વર્ષ ૨૦૧૭માં બાફનાને જાણ થઈ હતી કે, આ જમીન ત્રીજી પાર્ટીને વેચી દેવાઈ છે અને એ મામલે પાલઘર કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. ૨૦૧૯માં બંને પક્ષો સમાધાન પર આવ્યા હતા અને ગાવિતે ૨.૫ કરોડ રૂપિયા બાફનાને આપવાની સંમતિ દર્શાવી હતી.
તેમણે જણાવ્યું કે, ૧ કરોડનો ચેક ક્લિયર થઈ ગયો હતો, જ્યારે ૨૫ લાખ રૂપિયાના ૬ ચેક ((કુલ ૧.૫ કરોડ રૂપિયાના) બાઉન્સ થયા હતા. તે પછી બાફનાએ ૨૦૨૦માં ફરિયાદ કરી હતી.
ગાવિદે કોર્ટે જણાવ્યું હતું કે, તેમને સમાધાન માટે દબાણ કરાયું હતું, પરંતુ ગુપ્તાની દલીલ હતી કે, તે (ગામિત)) કાયદો ઘડનારા છે અને તેમને રૂપિયા આપવા માટે દબાણ કરી શકાય તેમ ન હતું.
ગાવિત મહારાષ્ટ્રમાં અગાઉની કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સરકારમાં આદિવાસી વિકાસ મંત્રી રહી ચૂક્યા છે. તો, ૨૦૧૮માં પાલઘર લોકસભા સીટ પર પેટાચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા અને ચૂંટણી જીતી ગયા હતા. પાલઘરથી ફરીથી ચૂંટણી લડવા માટે તેઓ ૨૦૧૯માં શિવસેનામાં સામેલ થઈ ગયા હતા.SSS