જર્મનીના ચાન્સલેરે શાંતિ સ્થાપવાની હિમાયત કરી
બર્લિન, રશિયા-યુક્રેન કટોકટી વચ્ચે જર્મનીના ચાન્સલરે યુદ્ધ ટાળવા માટે છેલ્લો પ્રયાસ શરૃ કર્યો છે. જર્મનીના ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝ યુક્રેનની મુલાકાત કરી હતી અને શાંતિ સ્થાપવાની હિમાયત કરી હતી. બીજી તરફ રશિયન પ્રમુખ પુતિનના સલાહકારોએ પણ યુક્રેન મુદ્દે પશ્વિમના દેશો સાથે વાટાઘાટો ચાલુ રાખવાની ભલામણ કરી હતી.
યુક્રેનમાંથી વિદેશી નાગરિકોને પાછા બોલાવાઈ રહ્યા છે. અમેરિકા-બ્રિટને મોટાભાગના નાગરિકોને સ્વદેશ પાછા બોલાવી લીધા છે. રશિયાએ યુક્રેન સરહદે સૈનિકોની સંખ્યા વધારીને ૧.૩૦ લાખ કરી દીધી હોવાનો દાવો અમેરિકાએ કર્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે બે મહત્વના ઘટનાક્રમો પણ બન્યા હતા.
જર્મનીના ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝે યુક્રેનની મુલાકાત કરી હતી અને યુક્રેનના પ્રમુખ સાથે યુદ્ધ ટાળવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી. ઓલાફ સ્કોલ્ઝ યુક્રેન પછી રશિયા જઈને પુતિન સાથે પણ વાતચીત કરશે.દરમિયાન અમેરિકન પ્રમુખ જાે બાઈડેને યુક્રેનના પ્રમુખ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને લેટેસ્ટ સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. અમેરિકાએ દાવો કર્યો હતો કે રશિયા ગમે તે ઘડીએ યુક્રેન ઉપર હુમલો કરી શકે છે. અમેરિકાના કહેવા પ્રમાણે રશિયાએ સૈનિકોની તૈનાતી વધારી દીધી છે અને હવે ૧.૩૦ લાખ સૈનિકો ત્રણેય તરફની સરહદે તૈનાત થઈ ચૂક્યા છે.
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને તેમના વિદેશી બાબતોના સલાહકારોએ પશ્વિમી દેશો સાથે યુક્રેન કટોકટી બાબતે વાર્તાલાપ જારી રાખવાની ભલામણ કરી હતી. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકા અને નાટોના અન્ય દેશો સાથે સંવાદ કરવાની શક્યતા અંગે પુતિન વિચાર કરશે.SSS