એનએસએ અજીત ડોભાલના ઘરમાં કાર લઇને ઘૂસવાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો
નવીદિલ્હી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરમાં એક વ્યક્તિએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યક્તિએ કાર લઈને અજીત ડોભાલની ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ યોગ્ય સમયે વ્યક્તિને રોક્યો અને તેને કસ્ટડીમાં લઈ લીધો. હાલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ તેની પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયા બાદ તે વ્યક્તિ થોડો બડબડ કરી રહ્યો હતો. તેણે કહ્યું કે તેના શરીરમાં કોઈએ ચિપ લગાવી છે અને તેને રિમોટથી નિયંત્રિત કરવામાં આવી રહી છે. જાે કે તપાસમાં તેના શરીરમાંથી કોઈ ચીપ મળી નથી.
કસ્ટડીમાં લેવાયેલ વ્યક્તિ કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ એન્ટી ટેરર યુનિટ તે વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. વ્યક્તિને કસ્ટડીમાં લઈને આ પૂછપરછ લોધી કોલોની સ્થિત સ્પેશિયલ સેલની ઓફિસમાં થઈ રહી છે.
ડોભાલ ઘણા આતંકવાદી સંગઠનોના નિશાના પર પણ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જૈશના એક આતંકી પાસેથી ડોભાલની ઓફિસની રેકીનો વીડિયો મળ્યો હતો. આ વીડિયો આતંકીએ પાકિસ્તાની હેન્ડલરને મોકલ્યો હતો. આ પછી ડોભાલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.HS