મહારાષ્ટ્ર સરકારને ઉથલાવવા એજન્સીઓનો થઇ રહ્યો છે ઉપયોગ: શિવસેના
મુંબઇ, શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આરોપ મૂક્યો હતો કે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને ઉથલાવવાના માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ થઇ રહ્યો છે. રાઉતે ઇડી પર મુંબઇના બિલ્ડરો પાસેથી ખંડણી વસૂલાતી હોવાનો પણ આરોપ મૂક્યો છે.
સંજય રાઉતે પહેલા પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર મહાવિકાસ અઘાડીના નેતાઓને પજવણી કરવાનો આરોપો મૂક્યા છે. પરંતુ મંગળવારે તેઓ કંઇક વધારે જ આક્રમક દેખાયા. તેમના પત્રકાર સંમેલનનું આયોજન દાદર સ્થિત શિવસેના ભવનમાં કરવામાં આવ્યું હતું અને સાથે જ પ્રસારણ માટે શિવસેના ભવનની બહાર એક મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવી હતી.
રાઉતે મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી અમારા નેતાઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક ભાજપ નેતાઓ એમ કહેતા સંભળાયા છે કે ૧૦ માર્ચ સુધી સરકાર પડી જશે. આ બધુ મેં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પત્ર લખ્યા બાદ થઇ રહ્યું છે.
રાઉદે સીધા ઇડીને ઘેરતા આરોપ મૂક્યો કે ઇડીએ હપ્તા વસૂલી કરનારા ૪ લોકો થકી મુંબઇમાં ૭૦ બિલ્ડરો પાસેથી રૂા. ૩૦૦ કરોડની વસૂલી કરી છે. અમે યોગ્ય સમયે ફોટો, વીડિયો અને દસ્તાવેજ સાથે તેનો પર્દાફાશ કરીશું.
રાઉતે વધુ એક સનસનીખેજ આરોપ મૂકતા કહ્યું કે ભાજપના ત્રણ નેતાઓએ તેમને મળીને મહારાષ્ટ્ર સરકારને ઉથલાવી પાડવામાં મદદ કરવા માટે કહ્યું હતું. મેં ઇન્કાર કર્યાના બીજા જ દિવસે ઇડીએ અમારા મિત્રો અને સંબંધીઓ પર દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. રાઉતે કહ્યું કે આને માત્ર મારૂ પત્રકાર સંમેલન જ ન સમજવું જાેઇએ, પરંતુ આ દ્વારા શિવસેના જણાવવા માગે છે કે તે ઝૂકશે નહીં.HS