Western Times News

Gujarati News

ગંગુબાઈ પ્રોસ્ટિટ્યૂટ નહીં, સમાજ સેવિકા હતા: પરિવારનો આરોપ

મુંબઈ, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું દમદાર ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે અને ફેન્સ આતુરતાથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જાેઈ રહ્યા છે. ટ્રેલર રિલીઝ થયા પછી મેકર્સ પર મુસીબત આવી છે. આ ફિલ્મની વાર્તાને લઈને ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી અને લેખક હુસૈન ઝૈદી સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે.

ગંગુબાઈનો પરિવાર હવે ફિલ્મની વાર્તા સામે વાંધો ઉઠાવી રહ્યો છે. તેઓ કોર્ટ સુધી પહોંચ્યા છે. પરિવારનો આરોપ છે કે ફિલ્મમાં તેમના મા એટલે કે ગંગુબાઈને પ્રોસ્ટિટ્યૂટ તરીકે દર્શાવાયા છે જ્યારે હકીકતમાં તેઓ સામાજિક કાર્યકર હતાં.

રિપોર્ટ અનુસાર, ગંગુબાઈના પરિવારના વકીલ નરેન્દ્રએ કહ્યું, ટ્રેલર રિલીઝ થયું ત્યારથી પરિવાર આઘાતમાં છે. જે પ્રકારની ગંગુબાઈની છબિ ચીતરવામાં આવી છે તે ખોટી છે, વલ્ગર છે. તમે એક સામાજિક કાર્યકરને પ્રોસ્ટિટ્યૂટ તરીકે દર્શાવી રહ્યા છો.

બીજી વાત એ છે કે, આપણે ત્યાં સિસ્ટમની તકલીફ એ છે કે, ઘરની ઈજ્જત જાહેરમાં ઉછળે છે અને તેમના દીકરા પાસે તેમનો જ દીકરો હોવાના પુરાવા માગવામાં આવી રહ્યા છે. જાેકે, અમે નીચલી અદાલતમાં આ સાબિત કર્યું છે પરંતુ હવે અમાપા કેસની સુનાવણી નથી થઈ રહી.

કહેવાઈ રહ્યું છે કે, ગંગુબાઈના દીકરાઓને ખબર નહોતી કે તેમની મા પર કોઈ પુસ્ત લખાયું છે અને ૨૦૨૦માં જ્યારે ફિલ્મના પ્રોમો સાથે માની તસવીર જાેઈ ત્યારે આખી વાત ખબર પડી હતી. પરિવારનો દાવો છે કે આ કારણે તેમને સગા-સંબંધીઓના ટોણાં સાંભળવા પડે છે અને તેઓ અહી-તહીં ભટકવા મજબૂર થયા છે.

લોકો ટોણાં મારતાં કહે છે કે, તમે તો ગંગુબાઈને સોશિયલ વર્કર કહેતા પરંતુ હકીકત તો અલગ જ છે. કહેવાઈ રહ્યું છે કે, આ કારણોસર તેમનો પરિવાર ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. માહિતી અનુસાર, આ મામલે સંજય લીલા ભણસાલી અને રાઈટર હુસૈન ઝૈદીને નોટિસ મોકલવામાં આવી હતી પરંતુ તેમણે કોઈ જવાબ નથી આપ્યો.

ગંગુબાઈના દત્તક પુત્ર બાબુરાવજી શાહે આજ તક સાથે વાત કરતાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, મારી મમ્મીને પ્રોસ્ટિટ્યૂટ બનાવી દીધી. હવે લોકો મારી મા વિશે એલફેલ બોલે છે જે સાંભળીને મને સારું નથી લાગતું. તેમનાં દોહિત્રી ભારતીનું કહેવું છે કે, મેકર્સે અમારા પરિવારની માનહાનિ કરી છે, જે અમને સ્વીકાર્ય નથી. ભારતીના કહેવા મુજબ, પુસ્તક લખતી વખતે કે ફિલ્મ બનાવતી વખતે ગંગુબાઈના પરિવાર પાસેથી પરવાનગી નહોતી માગવામાં આવી.

તેમણે કહ્યું, એક તરફ અમે ગર્વથી અમારા નાનીના કિસ્સા લોકોને સંભળાવતા હતા. પરંતુ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી અમારી ઈજ્જતના કાંકરા થઈ ગયા છે. લોકો કહે છે કે તમારી નાની તો પ્રોસ્ટિટ્યૂટ હતી.

મારા નાનીએ આખું જીવન કમાઠીપુરાની પ્રોસ્ટિટ્યૂટના ઉત્થાન માટે કામ કર્યું છે. આ લોકોએ તો મારા નાનીને ખરાબ રીતે ચીતર્યા છે. હવે લોકો અમને પ્રોસ્ટિટ્યૂટના સંતાનો કહીને બોલાવે છે. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ આ ફિલ્મમાં ગંગુબાઈનો રોલ ભજવી રહી છે. ફિલ્મ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.