Western Times News

Gujarati News

બીજાના માટે કામ કરો તેમાં થોડી અમથી પ્રગતિ થાય તો પણ એ સાર્થકતા

શીખવાની પ્રક્રિયા હંમેશા કલાસરૂમમાં જ થાય એવું જરૂરી નથી. ભણતરની વાતો ભલે એક સેટ ફોરમેટમાં જ પીરસવામાં આવે પણ ગણતરીની વાતો ક્યાંથી મળી જાય એ કાંઈ નકકી ન હોય. અંગ્રેજી મીડીયમની કોલેજમાં ભણતો દીકરો સાવ ઓછું ભણેલી દાદી પાસેથી શું શીખી શકે ?

એક પિતાએ તેના યુવાન પુત્ર માનવને એક કામથી બહારગામ મોકલ્યો. તે જઈ આવ્યો પણ કામ પુરું ન થયું. તેના પપ્પાએ બે ચાર પ્રશ્રો પૂછયા પણતેના જવાબ તે આપી શકયો નહી એટલે પપ્પાએ કહ્યું કે ‘હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો” તેને કંઈ સમજાયું નહી એટલે તેણે દાદીની મદદ માંગી. તે બન્ને વચ્ચે થયેલી વાતચીત આ મુજબ હતી.

માનવે દાદીને કહ્યું કે પપ્પાને કામે હું બહારગામ ગયો. ત્યાંનું કામ ન પત્યું એમાં તો પપ્પાએ મને સંભળાવી દીધું કે ‘હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો’ તમે જ કહો તેમાં મારી શું ભુલ ? દાદીએ કહ્યું કે કામ તે તારા પપ્પાનું કામ માનીને કૃયું તેના કરતા તારું કામ છે એમ માનીને કરવાનું હતું. કોઈ કામ પુરું ન થાય એમ બને પણ એ કામ કેમ પુરું ન થયું,

શું કરવાથી પુરું થાય, કયારે પુરું થશે એ આવડત કેળવાય તો પ્રયત્ન સાર્થક ગણાય. તારા પપ્પા તારી પાસેથી આ બધા સવાલોનો જવાબની આશા રાખતા હતા પણ તે જવાબો તું ન આપી શકયો એટલે તેણે ડેલે હાથ દેવાની વાત કરી. પરિસ્થિતિ અનુસાર કેવા નિર્ણય લેવા. કેવી પુછપરછ કરીને આવવું તેની સૂજ પડવી જાેઈએ.

તને સફળતા ન મળે એ સમજાય પણ તે કામ કર્યાનો તને સંતોષ તો થવો જાેઈએ ને ? આપણા કામને અર્થ સભર બનાવવાની જવાબદારી તો આપણી જ હોય.

માનવે બાને કહ્યું અમને કોલેજમાં સકસેસ સ્ટોરી ભણાવાય છે અને સફળ થવાના લેકચર પણ ગોઠવાય છે. તમે કાંઈક અલગ કહો છો. જીવનમાં સફળ થવું મહત્વનું છે કે સાર્થક થવું મહત્વનું છે ? બાએ જવાબ આપતા કહ્યું કે સાર્થકતાને સમજવાનો પ્રયત્ન કરીશ તો તું જાતે જ નિર્ણય કરી શકીશ.

રાવણ જયારે સીતા માતાનું હરણ કરીને જતો હતો ત્યારે જટાયુએ રાવણને રોકવાનો પ્રયત્ન કર્યો. જટાયુને કામમાં સફળતા ન મળી પણ તેનું જીવન આખું સાર્થક થઈ ગયું. સામે રાવણ સીતા માતાનું હરણ કરવામાં સફળ થયો છતાં તેનું જીવન સાર્થક ન થયું. તેના કુટંબી જનો પણ તેનાથી વિમુખ થઈ ગયા.

માનવે બાને ફરી પૂછયું કે તો પછી સફળ થવાનું કે નહીં ? તેને સુંદર જવાબ આપતા બા બોલ્યા કે બેટા દરેકે સફળ થવાનું છે પણ સાર્થકતાના ભોગે નહી. જાે જીવનની દિશા યોગ્ય હોય, પ્રયત્નો પ્રમાણિક હોય અને સ્વાર્થને બાજુ પર રાખી શકીએ તો દરેક કામ સાર્થક કહેવાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.