ભાજપમાં કોંગ્રેસની ભીડ: કેટલાંક આગેવાનો કહે છે કે ‘અમે ક્યાં જઈશું??
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, આમ, તો ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીને ઘણો સમય છે. પરંતુ તે પહેલાં જ તોડફોડની રાજનીતીની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો ભાજપમાં જાેડાઈ રહ્યા છે. કોંગ્રેસમાં નારાજ થયેલા લોકો પક્ષ છોડી રહ્યા છે.ખરેખર તો પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી અને હાઈકમાન્ડેે વિચારવાનું છેે આવુ કેમ થઈ રહ્યુ છે.
જાે કે જે આગેવાનો પોતાને કોંગ્રેસમાં અન્યાય થઈ રહ્યો છે એવુ જણાવી રહ્યા છે તેમને ભૂતકાળમાં અને વર્તમાનમાં પક્ષે ઘણુ સારૂ મહત્ત્વ આપ્યુ છે. તેમ પક્ષના સંનિષ્ઠ કાર્યકરો જણાવી રહ્યા છે. જેમણે આખી જીંદગી ભાજપ વિરૂધ્ધ પ્રચાર કર્યો તેમને આજે ભાજપનું શરણું લેવુ પડી રહ્યુ છે. આ તો સમય સમયની બલિહારી છે. તેમ પણ કાર્યકરો કહી રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસમાંથી જે પ્રકારે ભારે ભીડ ભાજપમાં થઈ રહી છે તેનાથી ભાજપના વફાદાર આગેવાનો પણ વિચારમાં મુકાયા છે. જે લોકો આવે છે તેઓ સત્તા માટે જ આવતા હોય તે સ્વાભાવિક છે. તો ભાજપના આગેવાનો કહે છે કે અમે ક્યાં જઈશુ?? ભાજપમાં વર્ષોથી વફાદારીપૂર્વ જે આગેવાનો -કાર્યકરો કામ કરી રહ્યા છે તેઓને પણ મનના ખૂણામાં પક્ષની અંદર કોઈ પોસ્ટ મળે કે ચૂંટણી લડવા ટીકીટ મળે એવી ઈચ્છા હોય, પરંતુ કોંગ્રેસમાંથી આવેલા ઘણા લોકો ટીકીટ મેળવી ગયા છે.
તેમાં ભાજપના ઘણા આગેવાનો ના પત્તા કપાઈ ગયા હતા. ભાજપના અગ્રણીઓ કહે છે કે પક્ષમાં ભીડ થઈ ગઈ છે. જે લોકો આવે છે તેઓ સતા માટે જ આવેતા હોય તેમાં કોઈ શંકા નથી. જાે કે આ વાતનો કોઈ સ્વીકાર કરે તેમ નથી. કોંગ્રેસને તો ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ અવી સ્થિતિ સર્જાઈ રહી છે. નવા પ્રદેશ પ્રમુખ જુદા જુદા જુથોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ તેમાં કેેટલાંક સફળ થાય છેે એ તો સમય જ બતાવશે.
પણ ચૂંટણી પહેલાં રાજકારણમાં આંતરીક જૂથવાદની સાથે સળવળાટ થઈ ગઈ ગયો છે. કોંગ્રેસમાં ફેલાયેલા જૂથવાદનો ભાજપ રાજકીય રીતે ભરપૂર લાભ લેવાનો પ્રયાસ કરશે એ નક્કી છે.HS