રાજ્યમાં માત્ર અમદાવાદ અને વડોદરામાં જ નાઇટ કર્ફ્યૂ
ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના ૭૫%ની છૂટ
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા ર્નિણયો અનુસાર આપવામાં આવેલી છૂટછાટ અને નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. આ જાહેરનામાની મુખ્ય બાબતોમાં રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ તા.૧૮ ફેબ્રુઆરી થી તા.૨૫ ફેબ્રુઆરી. દરમ્યાન દરરોજ રાત્રે ૧૨થી સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે.
રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં. હાલ ૬ મહાનગર સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત કોર કમિટીની બેઠકમાં સ્કૂલ અને કોલેજાે સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ કરવાનો ર્નિણય લીધો છે. આ અંગે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટિ્વટ કરીને માહિતી આપી હતી. જાહેર બાગ-બગીચાઃ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અનિવાર્ય રહેશે. સ્પોર્ટ્સ સ્ટેડિયમ/રમતગમતની ઇવેન્ટઃ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે. રાજ્યમાં કોરોના દૈનિક કેસો ૧ હજારની નીચે આવી ગયા છે અને એક્ટિવ કેસોમાં પણ મોટે પાયે ઘટાડો થયો છે.