એર ઈન્ડિયા ભારત-યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઇટનું કરશે સંચાલન

નવી દિલ્હી, યુક્રેન સંકટ વચ્ચે એર ઈન્ડિયા ભારત અને યુક્રેન વચ્ચે ત્રણ ઉડાનોનું સંચાલન કરશે. એર ઈન્ડિયા ૨૨, ૨૪ અને ૨૬ ફેબ્રુઆરીના ભારત-યુક્રેન (બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ) વચ્ચે ત્રણ ઉડાનોનું સંચાલન કરશે.
આ ઉડાનો માટે બુકિંગ શરૂ થઈ ગયું છે અને એર ઈન્ડિયાની બુકિંગ ઓફિસ, વેબસાઇટ, કોલ સેન્ટર અને સત્તાવાર ટ્રાવેલ એજન્ટોના માધ્યમથી કરાવી શકાય છે પરંતુ હજુ સુધી ભારત સરકારે યુક્રેનમાં રહેતા ભારતીયોને પરત બોલાવવાના સંબંધમાં કોઈ જાહેરાત કરી નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે કહ્યુ હતુ કે યુક્રેન-રશિયા સરહદ પર ખરેખર શું થઈ રહ્યું છે તે વિશે અમે મજબૂતીથી કંઈ કહી શકીએ નહીં. જ્યાં સુધી સ્થિતિની ગંભીરતાનો સવાલ છે, તે સ્પષ્ટ છે કે જ્યારે અમે કોઈ એડવાઇઝરી જાહેર કરીએ તો એક સમીક્ષા બાદ કરીએ છીએ. પરંતુ હજુ સુધી ત્યાંથી લોકોને કાઢવા વિશે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘યુક્રેનની સ્થિતિ પર અમારી નજર છે. હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તથા કીવ અને દિલ્હીમાં કંટ્રોલ સ્થાપિત કરવામાં આવ્યો છે. દૂતાવાસ સામાન્ય રીતે કામ કરી રહ્યું છે.’ તેમણે કહ્યું કે, ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભારતની સ્થિતિ સ્પષ્ટ છે, અમે તણાવ તત્કાલ ઓછો કરવાના હકમાં છીએ અને સમાધાન કૂટનીતિક વાર્તાઓ દ્વારા કાઢવાના પક્ષમાં છીએ.
ઉલ્લેખનીય છે કે રશિયાએ યુક્રેન સાથે લાગેલી સરહદ પર આશરે એક લાખ સૈનિકોને તૈનાત કર્યા છે અને નૌસેના અભ્યાસ માટે કાળા સાગરમાં સબમરીન મોકલી રહ્યું છે. તેના કારણે નાટો દેશોને આશંકા છે કે રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે. પરંતુ રશિયા યુક્રેન પર હુમલાનો ઇનકાર કરી રહ્યું છે.SSS