દાણીલીમડામાં મહિલાની હત્યા કેસમાં પતિ જ આરોપી નિકળ્યો
અમદાવાદ, શંકા-કુશંકાઓ ઘર કરી જાય તેના કારણે લગ્ન જીવનમાં મોટા ભૂકંપ આવતા હોય છે. આવી જ ઘટના અમદાવાદ શહેરની વચ્ચોવચ્ચ આવેલા દાણીલીમડામાં બનેલી મહિલાની હત્યાના કેસમાં પકડાયેલો આરોપી તેનો પતિ જ હોવાનું ખુલ્યું છે.
આરોપી પતિ જ્યારે તેની પત્ની નવા કપડા પહેરે ત્યારે તેનું બીજા સાથે લફરું છે તેવી શંકા રાખતો હતો. આવી જ બાબતમાં ઝઘડો થયા બાદ તેણે પત્નીની હત્યા કરી નાખી હતી અને વડોદરા ફરાર થઈ ગયો હતો. આરોપી અહીંથી પણ આગળ ભાગવાની ફિરાકમાં હતો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં ઘર કંકાશ અને પત્ની પર વહેમ રાખીને આમિર ખાન પઠાણ નામના શખ્સે પત્નીની હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું છે. ૧૩ ફેબ્રુઆરીએ બનેલી ઘટનામાં આરોપી બપોરના સમયે ઘરે આવ્યો ત્યારે તેની પત્ની સાથે અચાનક ઝઘડો શરુ કરી દીધો હતો. આ ઝઘડા બાદ તેણે પત્ની પર છરીના ઘા મારી દીધા હતા. પગના ભાગે ઝરીના ઘા મારીને આમિર ખાન પઠાણે પત્ની આફરીનાબાનુની હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ આરોપી વડોદરા ભાગી ગયો હતો. પોલીસને માલુમ પડતા તેની વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરી લેવામાં આવી હતી, આમિર ખાન પઠાણ અહીંથી મહારાષ્ટ્ર ભાગવાની ફિરાકમાં હતો. આમિરને વડોદરામાં ડૉક્યુમેન્ટ વગર નોકરી ના મળતા તેણે મહારાષ્ટ્ર સબંધીના ઘરે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોવાનું પણ ખુલ્યું છે.
આરોપીની પૂછપરછ દરમિયાન એ વિગતો સામે આવી છે કે તેણે પત્ની આફ્રીનાબાનુ પર શંકા હોવાથી અને ઘરકંકાશના લીધે હત્યા કરી હતી. હવે આરોપીએ હત્યા માટે વાપરેલી છરી ક્યાંથી લાવ્યો હતો તેનો હત્યા પાછળ શું ઈરાદો હતો તે સહિતની વિગતો રિમાન્ડ દરમિયાન થનારી પૂછપરછમાં સામે આવશે. આ સાથે તેણે અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.SSS