ક્રાઈમ બ્રાન્ચે બોગસ પાસપોર્ટના કૌભાંડનો પર્દાફાશ કર્યોઃ એક સરખા ફોટા પણ નામ અલગ
(એજન્સી)અમદાવાદ, તાજેતરમાં અમદાવાદના યુવાનને કેનેડા લઈ જવાના બહાને કોલકત્તા લઈ જવાયો હતો અને ત્યાં તેને ગોધી રાખીને રૂા.૪૬ લાખ પડાવી લેવાયા હોવાની ફરીયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે કેટલાક લોકો બોગસ પાસપોર્ટ બનાવીને વિદેશ લઈ જવાનું કૌભાંડ ચલાવે છે.
તેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી બે બોગસ પાસપોર્ટ કબજે લીધા છે. આ કૌભાંડ રાજયવ્યાપી હોવાની શંકાના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદની નજીકમાં એક જ ફોટો સાથે બે અલગ અલગ નામના પાસપોર્ટ બનાવ્યા હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીને જગ્યાએ જઈને બે ભારતીય પાસપોર્ટ કબજે કર્યા છે. આ પાસપોર્ટમાં એક જ વ્યકિતનો ફોટો છે. પરંતુ બંન પાસપોર્ટમાં લખેલા નામ અલગ અલગ હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિદેશ જનારા લોકોને એજન્ટો આવા બોગસ પાસપોર્ટ બનાવી આપતા હોવાની શંકા ક્રાઈમ બ્રાન્ચને છે.
જે માટે આ લોકોએ પાસપોર્ટ ડુપ્લીકેટ બનાવી દીધા છે. પરંતુ આ ટોળકીમાં રાજયના અન્ય લોકો પણ એટલે કે એજન્ટો પણ એકટીવ હોય તેવી શંકાના આધારે તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ, તેની સાથે અગાઉ કેટલા પાસપોર્ટ બન્યા અને આ પાસપોર્ટથી કોઈ વિદેશ ગયું છે. કેમ તે જાણવા માટે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ કૌભાંડ સાથે સંકળાયેલા લોકોની વિગતો મેળવવા માટેની કવાયત શરૂ કરી છે. અધિકારીઓને ધારણા મુજબ આ કૌભાંડ ગુજરાત રાજય સહિત અન્ય રાજયોમાં પણ ફેલાયેલું હોવાની સંભાવના છે.