SBI દ્વારા ડેબિટ કાર્ડ EMI સુવિધાઓ શરૂ કરાશે
નવીદિલ્હી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે ખુબ સારા સમાચાર છે. જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંકે ડેબિટ કાર્ડ પર ઈએમઆઈની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે અને આની શરૂઆત પણ કરવામાં આવી છે. સ્ટેટ બેંકના વર્તમાન ગ્રાહકો આ સેવાનો લાભ ઉઠાવી શકે છે. અલબત્ત આ સુવિધાનો લાભ એ વખતે જ લઇ શકાશે જ્યારે ગ્રાહક પાઈનલેબની પીઓએસ મશીનથી સ્વાઈપ કરશે.
એસબીઆઈ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ દેશભરમાં ૪૦૦૦૦થી વધારે વેપારી આ પીઓએસ મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રોસેસિંગ ફી આપવી પડશે નહીં. એસબીઆઈની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રાહકોને આના માટે કોઇપણ પ્રકારની પ્રોસેસિંગ ફી ચુકવવાની રહેશે નહીં. સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જરૂર પણ રહેશે નહીં. બેંકે પોતાના ગ્રાહકોને ૬-૧૮ મહિનાની ઇએમઆઈની સુવિધા આપી છે.
આ ઉપરાંત એસબીઆઈ કાર્ડ ધારક કન્ઝ્યુમર ડ્યુરેબલ ચીજવસ્તુઓ માટે લોન લઇ શકે છે. એનો મતલબ એ થયો કે, ઇએમઆઈ પર ડેબિટ કાર્ડની મદદથી ફ્રીજ, વોશિંગ મશીન, એસી જેવી ચીજવસ્તુઓની ખરીદી થઇ શકશે. ટ્રાન્ઝેક્શન પૂર્ણ થવાના મહિના બાદ ઇએમઆઈ શરૂ થશે.
પ્રેસનોટના કહેવા મુજબ જે ગ્રાહકોને રેટિંગમાં સારી સ્થિતિ છે તેમને લોન લેવામાં કોઇ તકલીફ રહેશે નહીં. બેંક મેસેજ અને ઇ-મેઇલ મારફતે પોતાના ગ્રાહકોને આ સંદર્ભમાં માહિતી આપશે. લાયકાતની તપાસ માટે ગ્રાહકો બેંકમાં રજિસ્ટર્ડ નંબરથી ટાઇપ કરીને ડીસીઇએમઆઈ અને ૫૬૭૬૭૬ પર મોકલી શકાય છે. એસબીઆઇની સુવિધાને લઇને ગ્રાહકોમાં ઉત્સુકતા છે.