Western Times News

Gujarati News

બીઆરટીએસ બસ શેલ્ટર્સ સફાઈ પેટે પાંચ વર્ષમાં રૂા.૨૫ કરોડ ચૂકવાયા

Files Photo

૨૦૦૯થી કોન્ટ્રાક્ય બદલાયા નથીઃ કોરોનાકાળમાં બસ સેવા બંધ છતાં સફાઈ ખર્ચ ચૂકવાયો

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવા અપગ્રેડ કરવા માટે યુ.પી.એ.સરકારના જેએનએનયુઆરએમ પ્રોજેક્ટની ગ્રાન્ટમાંથી “જનમાર્ગ” સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ દીર્ધદ્રષ્ટિનો અભાવ તથા ગાંધી-વૈદ્યના સહીયારાની નીતિના કારણે સદર પ્રોજેક્ટ લગબગ નિષ્ફળ સાબિત થયો છે. માત્ર લાગતા-વળગતાના બેંક એકાઉન્ટ જ અપગ્રેડ થયા છે તેવા ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યાં છે.

જનમાર્ગ સેવામાં મનપાના નાણાં હોવા છતાં મ્યુનિ.શાસકોને તેના હિસાબની ખબર હોતી નથી જેના કારણે સદર સંસ્થામાં બાળક ગેરરીતીઓ ચાલી રહી છે. જનમાર્ગ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં બસ શેલ્ટરની સફાઈનો કોન્ટ્રાક્ટ ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે. જેમાં કોઈ જ નવી સંસ્થાને એન્ટી આપવામાં આવતી નથી તથા બસ શેલ્ટર દીઠ દર મહિને ખૂબ જ મોટી રકમ ચૂકવવામાં આવી રહી છે. મ્યુનિ.બજેટ સત્રમાં કોંગ્રેસપક્ષ દ્વારા આ મુદ્દે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં બીઆરટીએસ સેવા શરૂ કરવામાં આવી તે સમયે ૧૯ બસ શેલ્ટર બનાવવામાં આવ્ય હતા. હાલ, ૧૮ બસ રૂટ પર ૧૭૭ બસ શેલ્ટર છે. આ તમામ બસ શેલ્ટરની સફાઈ માટે ૨૦૦૯ના વર્ષથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટરો “રાજકીય” હોવાની ચર્ચા ચાલી રહી છે. જેના કારણે દર મહિને તગડી રકમ પેમેન્ટ પેટે આપવામાં આવી રહી છે.

તથા વર્ષાેથી કોન્ટ્રાક્ટર બદલાયા પણ નથી. મ્યુનિ.કોંગ્રેસ પક્ષના ઉપનેતા નીરવભાઈ બક્ષીએ આ અંગે ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું હતું કે ૨૦૦૯-૧૦થી ૨૦૧૧-૧૨ સુધી રાજદીપ એન્ટરપ્રાઈઝ તથા હેતવિત હોસ્પિટાલીટીઝ પ્રા.લી.ને બસ શેલ્ટર્સ સફાઈના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા.

ત્યારબાદ નવેસરથી ટેન્ડર જાહેર કરી ૨૦૧૨થી ૨૦૧૫ સુધી શક્તિ સેનેટરી માર્ટ લી.તથા હેત-વિન્ત હોસ્પિટાલીટીઝને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. તેમ છતાં ૨૦૨૨માં પણ આ સંસ્થાઓ જ કામ કરી રહી છે. મતલબ કે, ૨૦૦૯થી ૨૦૨૨ સુધી હેત-વિત્તનું તથા ૨૦૧૨થી ૨૦૨૨ સુધી શસક્તિ સેનેટરી માર્ટ પ્રા.લી.નું એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે.

કાયદેસર કાર્યવાહીનો સામનો કરવો ન પડે તે આશયથી જનમાર્ગ દ્વારા ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯માં ટેન્ડર જાહેર કરી રી-ટેન્ડર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ કોઈ જ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી. જનમાર્ગને ચલાવવા માટે મનપા દ્વારા નાણાંકીય સહાય આપવામાં આવે છે.

તેમ છતાં તેના હિસાબ સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજૂ થતા નથી. જેના કારણે બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તથા છેલ્લાં પાંચ વર્ષમાં શેલ્ટર સફાઈ માટે રૂા.૨૫ કરોડ કરતા વધુ રકમ ચૂકવવામાં આવી છે. બીઆરટીએસના અધિકારીઓ દ્વારા એક બસ શેલ્ટર્સની સફાઈ માટે દર મહિને રૂા.૨૧ હજાર ચૂકવવામાં આવે છે. મતલબ કે, એક શેલ્ટરની સફાઈ પેટે દૈનીક રૂા.૭૦૦ આપવામાં આવે છે.

જનમાર્ગ લીમીટેડ દ્વારા ૧૭૭ બસ શેલ્ટરની સફાઈ માટે ૨૦૧૬-૧૭માં રૂા.૧.૧૦ કરોડ, ૨૦૧૭-૧૮માં રૂા.૨.૨૪ કરોડ, ૨૦૧૮-૧૯માં રૂા.૩.૧૫ કરોડ, ૨૦૧૯-૨૦માં રૂા.૪.૪૦ કરોડ, ૨૦૨૦-૨૧માં રૂા.૬.૫૦ કરોડ તથા ૨૦૨૧-૨૨માં (ડીસેમ્બર-૨૦૨૧સુધી) રૂા.૭.૯૫ કરોડ ચૂકવાયા છે. આમ, છેલ્લા સાડા પાંચ વર્ષમાં રૂા.૨૫ કરોડ કરતા વધુ રકમ શેલ્ટર્સ સફાઈ માટે ખર્ચ કરવામાં આવ્યાં છે.

ચોંકાવનારી બાબત એ છે કે ૨૦૧૫-૧૬ બાદ રી-ટેન્ડર થયા છે પરંતુ નવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા નથી. તેમ છતાં દર વર્ષે ખર્ચની રકમમાં વધારો થયો છે. તેવી જ રીતે કોરોનાકાળમાં લોકડાઉન તથા તે સિવાયના સમયગાળા દરમ્યાન બસ સેવા બંધ રહી હતી પરંતુ બીલની રકમ ચૂકવવામાં આવી છે તેમજ ખર્ચની રકમમાં ઉત્તરોઉત્તર વધારો થયો છે તેથી આ અંગે વિજિલન્સ તપાસ કરવામાં આવે તે જરૂરી છે તેવી માંગણી પણ તેમણે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.