અરવલ્લીની જીવાદોરી સમાન ૩ ડેમના તળિયા દેખાવા લાગ્યા

(એજન્સી)અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે ઉનાળાની શરુઆતમાં જ જિલ્લાના જીવાદોરી સમાન જળાશયોમાં પાણીના તળિયા દેખાવા લાગ્યા છે. જેને પગલે જિલ્લાના ખેડૂતોને ઉનાળુ ખેતી માટે સિંચાઇનું પાણી મળી શકે તેમ નથી.
જેથી ખેડૂતોની ચિંતા અત્યારથી જ વધી ગઈ છે. સરકાર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાની પાઇપ લાઈન દ્વારા પાણી નાખવામાં આવે અને ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે. ઉનાળાના પ્રારંભે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કુવા બોરમાં પાણીના સ્તર નીચા જતા રહ્યાં છે.
જેથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જ્યારે બીજી તરફ ચોમાસુ વરસાદ પૂરતા પ્રમાણમાં નહિ પડવાને પગલે જિલ્લાના જીવાદોરી સમાન મુખ્ય મોટા ત્રણ મેશ્વો, માજુમ અને વાત્રક જળાશયોમાં પૂરતા પાણીનો જથ્થો થઇ શક્યો નથી. હજી તો ઉનાળાની શરૂઆત થઇ છે, તેવામાં આ જળાશયોમાં સરેરાશ માત્ર ૩૬ ટકા પાણીનો જથ્થો બચ્યો છે,
ત્યારે આ ઓછા પાણીના જથ્થાએ જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી છે. ઉનાળુ સીઝનમાં સિંચાઇનું પાણી નહિ મળવાને પગલે તેની અસર આવનારા ઉનાળુ વાવેતર ઉપર થનાર છે. ત્યારે સરકાર દ્વારા જિલ્લાના આ જળાશયોમાં નર્મદાની પાઇપ લાઈન દ્વારા પાણી નાખવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે.
જિલ્લાના જળાશયો માંથી રવિ સીઝનમાં સિંચાઈ માટે પાંચ પાણી આપી દેવામાં આવ્યા છે. પરંતુ હાલ ઉનાળાના પ્રારંભે આ જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર પીવા પૂરતો બચ્યો છે, જેથી આવનારા ઉનાળામાં પીવા માટે પાણી પૂરતા પ્રમાણમાં મળી શકશે.