અર્ધનગ્ન થઇને ચોરી કરતા ચોરે ૩૦થી વધુ ગુના કબૂલ્યા

Files Photo
અમદાવાદ, શહેરમાં છેલ્લા થોડા મહિનાથી ઘરફોડચોરીના ગુનામાં વધારો નોંધાયો છે. જે ગુનાને રોકવા માટે શહેર પોલીસ કાર્યરત છે તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના ગુનામાં એક શખ્સની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના ગુનામાં એક શખ્સની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ગેંગના આરોપીને પકડીને ૩૦થી વધુ ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે શહેરના એસ.પી. રિંગરોડ ઓઢવ સર્કલ ખાતેથી આરોપી સુનીલ જાેરસિંગ બારિયા (ઉ.વ.૨૫, ધંધો-મજૂરી, રહે.ગામ-વડવા, તા.ગરબાડા, જિ.દાહોદ)ને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આજથી દોઢ-બે વર્ષ પહેલા પાલનપુર, ડીસા-પાલનપુર હાઇવે તથા દિયોદર અને મહેસાણા
જિલ્લામાં કડી તથા મહેસાણા અને વિજાપુર ખાતેની જુદી જુદી સોસાયટીમાં બંધ મકાનના તાળા અથવા બારીઓની ગ્રીલ તોડી આશરે ૩૦થી વધુ જેટલા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જે દરમિયાન પોતાના સાગરીતો રાકેશ મોહનિયા તથા બાલુ માવી પણ પકડાઇ ગયેલા. જે ૧૨ ગુનામાં પોતાનું અને પોતાના ભાઇ મનોજ ઉર્ફે મુન્ના તથા બીજા સાગરીતોના નામ સામે આવેલા, પરંતુ આજદિન સુધી નાસતાફરતા હોવાની હકીકતની કબૂલાત કરી હતી.
આરોપી ચોરી કરવા માટે ખેતર અથવા ખુલ્લી જગ્યા નજીક આવેલી સોસાયટીઓ પસંદ કરતા અને દિવસે બંધ મકાનની રેકી કરી નજીકના ખેતરમાં જ સૂઇ જતા, મોડી રાતના સમયે પહેરેલા શર્ટ કાઢી નાખી નક્કી કરેલા ઘરનું તાળું તથા બારીની ગ્રીલ તોડી ઘરમાં બે જણા પ્રવેશ કરતા હતા. બીજા માણસો હાથમાં પથ્થર રાખી આજુબાજુની હિલચાલ ઉપર નજર રાખતા હતા. ચોરી કર્યા બાદ વતનમાં આવી જતો હતો.