ભાવિ પેઢીને ગ્રીન-ક્લીન-એન્વાયરમેન્ટ આપવાનો સહિયારો સંકલ્પ અને પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીનું આહવાન

File
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે ૨૦૦૯માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરી દેશ અને દુનિયાને આગવી દિશા દર્શાવી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આ કલાયમેટ ચેન્જ વિભાગના બજેટમાં છેલ્લાં ૧૨ વર્ષમાં ઉત્તરોતર વધારો કર્યો છે. આ વર્ષે બજેટમાં ૯૧૦ કરોડની જાેગવાઇ સરકારે કરી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ સાયન્સ સિટીમાં આયોજીત આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, કલાયમેટ ચેન્જ અને વન મંત્રી કિરીટસિંહ રાણા, રાજ્યમંત્રી જગદિશ વિશ્વકર્મા અને કુબેરભાઇ ડીંડોર તથા દેશ-વિદેશના તજજ્ઞોની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાઓ, સહાયો અને પ્રકલ્પો તથા એમ.ઓ.યુ. વગેરેની ભેટ આપી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યની પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવા માટે કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા રૂપિયા ૧ કરોડ ૫૦ લાખના અનુદાન ફાળવણી જાહેરાત પણ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ સાયન્સ મ્યુઝિયમ, મેડિકલ કોલેજ અને પોલીટેક્નીક ઇમારતો ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું હતું. તેમજ સબસીડી યોજના અંતર્ગત અપાયેલા ઇલેક્ટ્રીક વ્હિકલનું ફ્લેગ ઓફ કરાવીને બેટરી સંચાલિત દ્રી-ચક્રીવાહનોની સહાય વિતરણ, ગૌશાળા-પાંજરાપોળને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેની સહાય વિતરણ તેમજ સખી મંડળ દ્વારા પ્લાસ્ટિક કચરાના એકત્રીકરણ માટે પ્રોત્સાહક રકમનું વિતરણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ૧૨ લાભાર્થીઓને બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનોની સહાય વિતરણ કરાયું હતું. આ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યના ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ ૨૫,૩૨૮ વિદ્યાર્થીઓને કુલ રૂપિયા ૨૧.૦૬ કરોડની સહાય અપાઇ છે.
ગૌશાળા-પાંજરાપોળને બાયોગેસ પ્લાન્ટ સ્થાપના માટેની સહાય વિતરણ અંતર્ગત પ્રતિકરૂપે તરભ સ્થિત શ્રી વાલીનાથ અખાડા ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટને તથા કડી સ્થિત નંદ ગૌશાળાને પ્રત્યેકને રૂ. ૧૦,૭૩,૦૮૨ ની સહાય અપાઇ હતી. મોરબી સ્થિત તક્ષશિલા સ્વસહાય જૂથ અને સિંઘોઇમાં મહિલા સંગઠનને એમ પ્રત્યેકને રૂપિયા ૨.૫ લાખની પ્લાસ્કિ કચરાના એકત્રીકરણ માટે પ્રોત્સાહક સહાય અપાઇ હતી. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી ૨૨.૯૧ કરોડની સહાય અપાઇ હતી.
મુખ્યમંત્રીએ પાટણ સ્થિત રિઝિનલ સાયન્સ મ્યુઝિયમ ખાતે ૧૦૦ કિલો વોટ, હિંમતનગર સ્થિત જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજમાં ૧૦૦ કિલો વોટ તથા ભાવનગર સ્થિત ભાવસિંહજી પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યુટ કેમ્પસ ખાતે ૧૮૦ કિલો વોટની સોલાર સિસ્ટમનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ. રૂપિયા ૧.૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ સોલાર સિસ્ટમ દ્વારા પ લાખ ૭૦ હજાર યુનિટની વાર્ષિક બચત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સીઓપી-૨૬ ખાતે પર્યાવરણ માટે પાંચ પંચામૃત લક્ષ્ય જાહેર કર્યા છે. આ લક્ષ્યમાનું એક મહત્વનું લક્ષ્ય ૨૦૭૦ સુધીમાં નેટ ઝિરોનું પણ છે. ગુજરાત આ લક્ષ્ય સિદ્ધ કરવામાં લીડ લેવા સજ્જ છે તેની વિભાવના આપતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આ પંચામૃત લક્ષ્યો અન્વયે ૨૦૩૦ સુધીના લક્ષ્યને ધ્યાનમાં રાખી ગુજરાતે નવો સ્ટેટ એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે.HS