જેતપુરમાં કોરોનામાં બંધ કરાયેલા બસ રૂટ હજુ સુધી ચાલુ કરાયા નથી
ચુડા અને બગસરાની સવારની બસ હજુ સુધી બંધ હોવાથી ભારે હાલાકી
જેતપુર, જેતપુર ડેપોની એસ.ટી.બસ ના ૪૦ વર્ષથી ચાલતા જૂના રૂટ કોરોના કાળ દરમ્યાન બે વર્ષથી બંધ હોઈ તે ફરી શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્યના વાહન વ્યવહાર વિભાગ મંત્રીને લેખિતમાં રજુઆત કરીને જેતપુર- ચુડા તથા જેતપુર- બગસરા સવારની વહેલી બસ શરૂ કરવા માંગ કરવામાં આવી છે.
જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રજાના હિતકારી માટે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી તથા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાને લેખિત પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી હતી કે જેતુપર ડેપોમાંથી જેતપુર-ચુડા (ગળથ) તથા જેતપુર- બગસરા રૂટની બસ સવારે પ.૩૦ કલાકની ચાલતી,
આશરે ૪૦ વર્ષથી લોકો સવારના મુસાફરી કરતા હતા. બે વર્ષ પહેલાં સદૃંતર લોકડાઉન લાગુ કરવામા આવતા અમુક રૂટની બસ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ફરી આ બંન્નેે રૂટની બસો શરૂ ન કરવામાં આવતા વહેલી સવારના મુસાફરોને કોઈ લગ્ન પ્રસંગ કે અન્ય કારણોસર વહેવારમાં પહોંચવાનું હોય તો તેમાં તેઓને ભારેહાલાકી ભોગવવી પડી રહી છે.
જે તે સમયે આ બસ ચાલુ હતી ત્યારે કાયમી વિદ્યાર્થીઓ, વેપારીઓ, સેલ્સમેનો, તથા દેવદર્શને જતાં સીનિયર સીટીઝન ખુબ જ અનુકૂળ સમય મુજબના રૂટ પ્રમાણે પહોંચી શકતા હતા. પરંતુ હાલ ઉપરોક્ત બંન્ને રૂટની બસો બંધ હોવાથી પ્રજાજનોને ના-છૂટકે ઉંચા ભાડા વસુલતા ખાનગી વાહનોમાં પ્રવાસ કરવો પડે છે.
જેના કારણે નિયમ વિરૂધ્ધ સંખ્યા બેસાડતા અવારનવાર અકસ્માતનો ભય રહેતો હોય છે. જતપુર-ચુડા (ગળથ) તથા જેતપુર-બગસરા રૂટની બસ સવારના પ.૩૦ વાગ્યે ફરી શરૂ કરી દેવામાં આવેે તો કોર્પોરેશનની આવકમાં પણ વધારો થવામાં મદદરૂપ થઈ શકે એમ છે.
એસ.ટી.બસના ડેપો મેનેજર મીરના જણાવ્યા અનુસાર બંન્ને બસ રૂટની ઓછી આવકને કારણે બંધ કરાયા છે. છ મહિના પહેલાં કોરોના કાળ દરમ્યાન મારી સુચનાથી જ બંધ કરવામાં આવી હતી. જાે કે સવારના વહેલા મુસાફરી કરવા ઈચ્છતા લોકોને ના છૂટકે અન્ય વાહનોનો સહારો લેવો પડે છે. તે ડેપો મેનેજરને દેખાતુ નથી. વહેલીસ સવારે ઉઠીને એક અઠવાડીયા સુધી બસ સ્ટેન્ડમાં મુસાફરી કરતા લોકોને પૂછે કે તમારે ક્યાં જવુ છે તો સાચો ખ્યાલ આવી શકે તેમ છે.