મહીસાગર જિલ્લાના પોપટિયાગઢ ખાતે મેળો યોજાયો
પોપટિયાગઢ સ્થળના પ્રવાસન વિકાસનો સંકલ્પ વ્યકત કરતા રાજ્યમંત્રી
(માહિતી બ્યુરો) લુણાવાડા, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ જૂના નદીનાથ અને પોપટિયાબાવજીની ગુફાની તળેટી પોપટિયાગઢ ખાતે આયોજિત મેળામાં ઉચ્ચશિક્ષણ રાજ્ય કક્ષા મંત્રી કુબેરભાઈ ડિંડોર સહભાગી બન્યા હતા.
કડાણા ડેમની બીજી બાજુ આવેલા ચોતરફ પહાડીઓથી ઘેરાયેલા આ મનોરમ્ય અને આસ્થાના કેન્દ્ર સમા આ સ્થળે સ્થાનિકો સાથે ચાલીને પોપટિયા બાવજીની ગુફા દર્શન પરંપરાગત વિધિવિધાન સાથે પૂજન કરી ધ્વજા આરોહણ કરાવ્યું હતું. પોપટિયાગઢ પર મહાદેવજીના દર્શનનો લાભ લઈ આ સ્થળના પ્રવાસન વિકાસનો સંકલ્પ વ્યકત કર્યો હતો.
જેને સ્થાનિકોએ હર્ષોલ્લાસથી વધાવી લીધો હતો. રાજ્યમંત્રી પરંપરાગત આદિવાસી ઢોલ શરણાઈના તાલે લોકનૃત્યમાં પણ જાેડાતાં લોકોના ઉત્સાહમાં વધારો થયો હતો. તેમણે પ્રવાસન સ્થળ તરીકે આ સ્થળના વિકાસથી સ્થાનિક રોજગારીની તકો પણ વધશે તેમ જણાવતાં આગામી સમયમાં રસ્તાનું આયોજન કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કમલેશભાઇ પાદરીયા, તાલુકા સદસ્ય સોમીબેન પાંડોર, અગ્રણીઓ અંબાલાલ પટેલ, ભીખાભાઇ, કાળુભાઇ, જેસીંગભાઇ, હિરાભાઇ, અમથાભાઇ, સહિત આસપાસના ગામોના સરપંચઓ, ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.