સોનુ સૂદની વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી
ચંડીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન સોનુ સૂદ મતદાન મથક પર જાેવા મળતાં પંજાબ પોલીસે તેની કાર જપ્ત કરી લીધી હતી. ત્યારે હાલ મળતી માહિતી મુજબ અભિનેતા વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. સોનુ સૂદ કથિત રીતે મોગાના લાંડેકે ગામમાં તેની બહેન માટે પ્રચાર કરી રહ્યો હતો. સોનુ વિરુદ્ધ મોગા સિટી પોલીસ સ્ટેશનમાં કલમ ૧૮૮ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઈ- ટાઈમ્સના અહેવાલ મુજબ સોનુ હાલ સાઉથ આફ્રિકામાં છે અને ત્યાં એક રિયાલિટી ટીવી શોનું શૂટિંગ કરી રહ્યો છે.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અભિનેતાની બહેન માલવિકા સૂદ સચ્ચર મોગાથી કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડી રહી છે. આ પહેલા મતદાનના દિવસે પણ સોનુની કાર જપ્ત કરવામાં આવી હતી અને બાદમાં ચૂંટણી પંચે સોનુને મતદારોને કથિત રીતે પ્રભાવિત કરી રહ્યો હોવાની ફરિયાદ મળ્યા બાદ મોગામાં મતદાન મથક પર જવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
જાે કે સોનુએ કહ્યુ હતુ કે તે માત્ર મતદાન મથક પર નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વાત કરતા સોનુએ કહ્યુ હતુ કે અમને વિપક્ષ તરફથી ઘણા ધમકીભર્યા ફોન આવ્યા હતા. ઘણા બૂથમાં પૈસાની વહેંચણી પણ થઈ રહી હતી. તેથી અમે ચૂંટણી યોગ્ય રીતે થઈ છે કે નહીં તે તપાસવા માટે ગયા હતા.HS