બ્રેન્ડ ક્રૂડનો ભાવ બેરલ દીઠ ૧૦૦ ડોલર નજીક પહોંચ્યો
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ભારતની પરેશાનીમાં વધારો થયો છે. રશિયાની આક્રમક નીતિના કારણે દુનિયામાં પેનિકની સ્થિતિ પેદા થઈ છે અને ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે. આજે બ્રેન્ડ ક્રૂડનો ભાવ ૧૦૦ ડોલરની બહુ નજીક પહોંચી ગયો હતો અને ગમે ત્યારે ૧૦૦ ડોલરને પાર કરી જાય તેવી શક્યતા છે. તેના કારણે ભારત જેવા વિકાસશીલ દેશ પર આર્થિક બોજમાં જંગી વધારો થશે, પેટ્રોલ- ડીઝલના ભાવ વધારવા પડશે અને મોંઘવારી બેકાબૂ બનશે.
બ્રિટિશ સમય પ્રમાણે સવારે ૯ વાગ્યે ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ ૩.૪૮ ડોલર (૩.૭ ટકા) વધીને ૯૮.૮૭ ડોલર થયો હતો. અગાઉ તે ૯૯.૩૮ ડોલર સુધી જઈ આવ્યો છે. આમ સપ્ટેમ્બર ૨૦૧૪ પછી ક્રૂડ ઓઈલે આજે સૌથી ઊંચી સપાટી જાેઈ હતી. રશિયાએ યુક્રેનથી અલગ થયેલા વિસ્તારોને માન્યતા આપવાનું અને ત્યાં સૈનિકો મોકલવાનું શરૂ કર્યું છે જેના કારણે ટેન્શનમાં વધારો થયો છે. અમેરિકા અને યુરોપીયન દેશો દ્વારા રશિયા પર નવા પ્રતિબંધો ઝીંકવામાં આવશે, જેના કારણે ક્રૂડના સપ્લાયને અસર થશે.
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુટિનના એક પછી એક ર્નિણયોના કારણે કટોકટી વધુ ઘેરી બની રહી છે. ઓઈલ બ્રોકર પીવીએમના ટેમસ વારગાએ જણાવ્યું કે ક્રૂડનો ભાવ ૧૦૦ ડોલરને પાર કરી જાય તેવી શક્યતા વધી છે. જે લોકોએ આ શક્યતા પર દાવ લગાવ્યો છે તેમને પહેલેથી અંદાજ હતો કે રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધશે.
યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ ક્રૂડ ૪.૮ ટકા વધીને ૯૫.૪૮ ડોલર થયું હતું. અગાઉ આ ભાવ ૯૬ ડોલર સુધી ગયો હતો જે ૨૦૧૪ પછીનો સૌથી ઊંચો ભાવ છે. કોરોના વાઈરસ નિયંત્રણમાં આવ્યા પછી ક્રૂડની માંગમાં વધારો થયો છે ત્યારે સપ્લાયની ઘટ છે. હવે સૌની નજર ઇરાન ડીલ પર છે. ઇરાન સાથે સમાધાન કરવામાં આવે તો ઇરાન દરરોજ ૧૦ લાખ બેરલ ઓઈલ માર્કેટમાં વેચી શકશે જેના કારણે ભાવમાં થોડી રાહત મળશે.
ભારત મોટા ભાગે ક્રૂડ ઓઈલની આયાત પર આધારિત છે. ક્રૂડ અને ગોલ્ડ પાછળ ભારતે જંગી વિદેશી નાણું ખર્ચ કરવું પડે છે તેથી ક્રૂડના વધતા ભાવ ચિંતાજનક છે. ક્રૂડના ઊંચા ભાવના કારણે ભારતે ગમે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા પડશે, જેના કારણે મોંઘવારી નિરંકુશ બનશે.SSS