સુરતઃ સચિનમાં સ્કૂલથી છૂટ્યા બાદ તળાવમાં નાહવા પડેલાં બે બાળકનાં ડૂબી જવાથી મોત
સુરત, સુરતમાં સચિન GIDC વિસ્તારના એક તળાવમાં મધરાત્રે 2 બાળક ડૂબી ગયાં હોવાની વાત બાદ પોલીસ અને ફાયરના જવાનો દોડતા થઈ ગયા હતા. મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ પણ ન મળતાં આજે સવારથી જ બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઊતર્યા હતા.
તળાવ કિનારે બાળકોનાં કપડાં મળી આવ્યાં બાદ તેઓ ડૂબી ગયાં હોવાની વાત બહાર આવતાં ફાયરે શોધખોળ હાથ ધરી હતા. ઘટનાના 10 કલાક બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગે પાણીમાં ગરકાવ થયેલા મૃતદેહોને બહાર કાઢ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સ્કૂલેથી છૂટ્યા બાદ બંને બાળકો તળાવમાં ન્હાવા પડતા ડૂબીને મોતને ભેટ્યા હતા.
હિતેશ પાટીલ (ફાયર ઓફિસર ભેસ્તાન) એ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાત્રે બની હતી. કોલ મળ્યા બાદ તાત્કાલિક પોલીસ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લગભગ 9થી 11:30 સુધી રાત્રીના અંધારામાં તળાવમાં ગરકાવ બાળકોની શોધખોળ કરી હતી. જોકે કોઈની ભાળ મળી ન હતી. ત્યારબાદ વહેલી સવારે એટલે કે બુધવારની સવારે 9 વાગ્યાથી બોટ લઈ ફાયરના જવાનો તળાવમાં ઉતર્યા હતા. 3 કલાકમાં જ બન્ને બાળકોના મૃતદેહ તળાવના પાણીમાંથી શોધી કાઢવામાં સફળ થયા હતા. હાલ કબજો પોલીસને સોંપ્યો છે.
અમજદ પઠાણ (મૃતક આબિદના પિતા) એ જણાવ્યું હતું કે, એકનો એક દીકરો હતો. હું કામ પર હતો. શાળાએથી આવ્યા બાદ ભોજન કરી માતાને કહ્યું હું બહાર રમવા જાઉં છું. ત્યારબાદ એની કોઈ ભાળ મળી ન હતી. પત્નીનો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે આબિદ ગુમ છે. દોડીને ઘરે ગયો શોધખોળ કરી ત્યારે જાણવા મળ્યું કે મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયા છે.
દોડીને ત્યાં ગયા તો કપડાં જોઈ જમીન સરકી ગઈ. તળાવમાં કોઈ દેખાતું ન હતું. તત્કાલિક પોલીસ અને ફાયરને જાણ કરી તો આજે સવારે બન્નેના મૃતદેહ મળી આવ્યા. ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. એને એક બહેન છે.