ટ્રેનના પાટા અને પ્લેટફોર્મની બાજુમાં સેલ્ફી લેવા અંગે રેલવેએ નવો નિયમ બનાવ્યો
નવીદિલ્હી, મુસાફરોની સુરક્ષા માટે રેલ્વે દ્વારા દરરોજ નવા પગલા લેવામાં આવી રહ્યા છે. લોકોમાં જાગૃતિ વધારવા માટે જાગૃતિ અભિયાનો પર પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ, આ પછી પણ દરરોજ રેલ્વે સંબંધિત અકસ્માતો સામે આવતા રહે છે.
લોકો ટ્રેનના પાટા પર સેલ્ફી લેતા અટકાવવા માટે રેલવેએ કડક કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો છે. સોશિયલ મીડિયાના યુગમાં, ઘણા યુવાનો વધુ ફોલોઅર્સની શોધમાં ટ્રેનના પાટા પર સેલ્ફી લે છે અથવા વીડિયો બનાવે છે. જેના કારણે તે ઘણી વખત ટ્રેનની અડફેટે આવી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવા અકસ્માતોમાં અનેકગણો વધારો થયો છે.
સેલ્ફીના કારણે વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને રેલ્વેએ ટ્વીટમાં માહિતી આપી અને કહ્યું, ‘સાવધાની રાખવામાં જ શાણપણ છે. રેલ્વે ટ્રેક અથવા પ્લેટફોર્મની બાજુમાં સેલ્ફી લેવી જીવલેણ બની શકે છે. ધ્યાનમાં રાખો, આમ કરવાથી ૧૦૦૦ રૂપિયાનો દંડ અથવા ૬ મહિનાની જેલ પણ થઈ શકે છે.
સેલ્ફી લેવાના મામલામાં વધી રહેલા અકસ્માતોને જાેતા રેલ્વેએ કડક કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો છે. હવે રેલ્વે લાઈન અને પ્લેટફોર્મ પાસે સેલ્ફી લેવાની સખત મનાઈ છે. આમ કરવું હવે ફોજદારી ગુનો ગણાશે. આવું કરનારાઓ સામે રેલવે કડક કાર્યવાહી કરશે. રેલ્વે ટ્રેક અને પ્લેટફોર્મની બાજુમાં સેલ્ફી લેવી એ હવે રેલ્વે એક્ટ ૧૯૮૯ની કલમ ૧૪૫ અને ૧૪૭ હેઠળ સજાપાત્ર ગુનો છે.
આમ કરનારને ૧૦૦૦ રૂપિયાનો દંડ અથવા ૬ મહિનાની જેલ અથવા બંને થઈ શકે છે. આવી સ્થિતિમાં આ રેલ્વેના પાટા પાસે સેલ્ફી લેવાની ભૂલ ન કરો. આ આદત તમને જેલ પણ પહોંચાડી શકે છે.HS