અમે ભલે પરિવારવાળા ન રહ્યા પણ પરિવારનું દર્દ સમજીએ છીએઃ મોદી

બારાબંકી, વડાપ્રધાન મોદીએ ગઈકાલે બારાબંકીમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે અમે પરિવારવાળા ભલે ન હોઈએ પણ દરેક પરિવારનું દર્દ સમજીએ છીએ. ઘોર પરિવારવાદીઓએ વોટ બેન્ક માટે મુસ્લીમ દીકરીઓની પીડા પણ નહોતી સાંભળી પણ અમારી સરકારે ત્રણ તલાક કાયદો બનાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અખિલેશે જણાવ્યું હતું કે જેની પાસે પરિવાર હોય છે તે જ એક પરિવારનું દર્દ સમજતા હોય છે. વડાપ્રધાને આવા લોકોને ‘મોસમી નેતા’થી હોશિયાર બતાવીને કહ્યું હતું કે આ લોકો દેશના હિતને દાવ પર લગાવીને વોટ શોધતા રહે છે અને એટલા માટે તે આતંકને પણ ખતમ નથી કરી શકતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આવા મોસમી નેતા ૧૦ માર્ચ પછી વિદેશ ફરવા ચાલ્યા જશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે જે લોકો ખુદને પરિવારવાળા હોવાનો દાવો કરે છે. તેમને ત્રણ તલાક પીડિતાઓનું દર્દ કેમ ન દેખાયું? મારી મુસ્લિમ બહેનો, દીકરીઓને નાના નાના બાળકોને લઈને પિતાના ઘરે પરત ફરવું પડયું હતું ત્યારે તમને પરિવારનું દર્દ કેમ સમજમાં ન આવ્યું. અમે જેટલી સુવિધાઓ બહેનોને આપી છે તે કોઈ જાતિ કે ધર્મને જાેઈને નથી આપી.HS