રાજ્ય સરકારે અમલી બનાવેલ ‘સ્માર્ટ ફોન સહાય યોજના’ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ૮૦ ખેડૂતોને લાભ અપાયો

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર જિલ્લાના ૮૦ ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને ખેતી ની સઘળી માહિતી આંગળીના ટેરવે મેળવી શકે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય યોજના અમલી બનાવવામાં આવી છે.
સ્માર્ટ ફોન થકી ખેડૂતો કૃષિક્ષેત્રેની જાણકારી સરળતાથી ડિજિટલ યુગમાં મેળવી શકે, આઇ ખેડૂત પોર્ટલ ઉપર કોઈપણ સરકારની કૃષિ યોજનાનો લાભ લેવા માટે પોતાના ફોર્મ સરળતાથી ભરી શકે તથા ખેડૂતલક્ષી કોઈપણ માહિતી ઓનલાઇન સરળતાથી મેળવી શકે
તે માટે આ સ્માર્ટફોન સહાય યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી આ યોજનાને આરંભ કરવામાં આવ્યો હતો.
જે અંતર્ગત ગાંધીનગરના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીના મીટીંગ હોલ ખાતે યોજાયેલ સમારંભમાં ગાંધીનગર જિલ્લાના ૮૦ ખેડૂતોને આ સહાય અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે. ઉપસ્થિત સર્વે ખેડૂતોએ હોલમાંથી મુખ્યમંત્રીનો કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ પોતાના અભિપ્રાય પણ રજૂ કર્યા હતા અને આ યોજના થકી ખેડૂતો કેવી રીતે આગળ વધશે તે અંગે પણ પોતાના મંતવ્ય આપ્યા હતા. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બી. એમ.પટેલ જિલ્લા કૃષિ ખેતીવાડી અધિકારી એસ. વી.પટેલ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.