Western Times News

Gujarati News

ચાંદખેડામાં આવેલી મેડિકલ કોલેજના ૩૦ ભાવી તબીબોને ડેન્ગ્યુ

ચાંદખેડા: ચાંદખેડા વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજના ૩૦ ભાવી તબીબો ડેન્ગ્યુના ભરડામાં સપડાયા છે અને પોઝિટિવ ડેન્ગ્યૂથી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હોવાની ઘટનાથી કોલેજ કેમ્પસમાં ફફડાટ ફેલાઇ ગયો છે. કોલેજની તેજસ્વી વિદ્યાર્થિનીના મોતથી શોકનો માહોલ પ્રવર્તે છે.

કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની અઠવાડિયા અગાઉ તાવની બિમારીમાં સપડાઇ હતી. તેની સારવાર કારાગત નહીં નિવડી ન હતી અને ડેન્ગ્યૂના લક્ષણો જણાઇ આવ્યા હતાં. જેથી વિદ્યાર્થિનીના પરિવારજનોએ તેને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

જ્યાં ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રોગ કાબુમાં નહીં આવતા સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. તેના પગલે કોલેજ કેમ્પસમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તો બીજી તરફ એક પછી એક વિદ્યાર્થીઓ તાવ સહિતની બિમારીમાં સપડાતા રોગચાળાની દહેશત ફેલાઇ છે. તેના પગલે કેટલાક વિદ્યાર્થીને હોસ્ટેલ છોડવાની ફરજ પડી છે. તો કેટલાક વિદ્યાર્થી બિમારીના કારણે ઘરભેગા થઇ ગયા છે.

મેડિકલ કોલેજના સત્તાવાળાઓની ગંભીર બેદરકારીના કારણે કેમ્પસમાં ગંદકીના કારણે મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ થયો છે. આ ઉપરાંત કોલેજ બિલ્ડીંગની ગેલેરી, હોસ્ટેલ, ટેરેસ અને ટોઇલેટમાં ગંદકી ખદબદતી હોવાના ફોટો અને વિડિયો પણ વિદ્યાર્થીઓના મોબાઇલમાં વાઇરલ થયા છે.

એક પછી એક વિદ્યાર્થીઓ ડેન્ગ્યૂમાં સપડાતા રોગચાળો વકરે તેવી દહેશત ફેલાઇ છે અને તેની અસરના કારણે કોલેજમાં સ્ટૂડન્ટ્‌સની હાજરીમાં ઘટાડો થયો હોવાનું પણ વિદ્યાર્થીઓ દ્વારા જણાવાઇ રહ્યું છે.

વિદ્યાર્થીઓ ડેન્ગ્યૂની બિમારીમાં સપડાયા હોવા બાબતે મેડેકલ કોલજના ડીન ડો. મોદીનો ટેલિફોનનિક સંપર્ક કરવામાં આવ્યો હતો.

ત્યારે તેમણે એવુ કહ્યું હતું કે કોલેજમાં કોણ બિમાર છે તેની તમામ જાણકારી મારી પાસે ક્યાંથી હોય. ડેન્ગ્યૂ બાબતે તેમણે કહ્યું કે અમદાવાદમાં ૪ માસથી ડેન્ગ્યૂનો કેર છે તેવુ કોઇ કહેતુ હોય તો મને ખબર નથી. જો કે તેમણે ડેન્ગ્યૂના કારણે મેડિકલની એક વિદ્યર્થિનીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હોવાની ઘટનાને સમર્થન આપ્યુ હતું. આ બાબતે તેમણે એમ પણ કહ્યું કે કોલેજમાં શોકનો માહોલ છે અને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ પણ કર્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.