યુધ્ધથી ગુજરાતના ઉદ્યોગોને નુકસાન અંગે ચેમ્બર અભ્યાસ કરશે
(પ્રતિનિધિ) અમદાવાદ, યુક્રેન-રશિયા વચ્ચે મહાયુધ્ધની શરૂઆત થઈ ગઈ છે તેની અસર વિશ્વભરમાં પડશે. ભારત તેમાંથી બાકાત રહેશે નહિ. ખાસ કરીને યુધ્ધ લાંબુ ચાલ્યુ અને નાટો દેશોએ તેમાં ઝંપલાવ્યું તો પરિસ્થિતિ અત્યંત વિષમ બની જશે. સૌથી વધારે અસર પ્રજાને તો પડશે તેની સાથે નાના-મોટા ઉદ્યોગો તેની ઝપેટમાં આવી જશે.
યુક્રેન-રશિયા સહિતના આસપાસના દેશો સાથે ભારતનો વ્યાપાર છે યુક્રેન સાથે તો ગુજરાતનો નાતો છે. ઘણા ઉદ્યોગો કદાચ તેની સાથે સંકળાયેલા હશે તેની અસર થવાની શરૂઆત થઈ ગઈ હશે.
દરમિયાનમાં ગુજરાતના ઉદ્યોગો પર તેની અસર વિશે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે રાજયમાં કયા ઉદ્યોગોને કેવી અસર થશે તેને લઈને ચેમ્બરે અભ્યાસ કરવાની શરૂઆત કરી દીધી છે.
આગામી બે-ચાર દિવસમાં આ અભ્યાસ થઈ ગયા પછી ઓવર ઓલ પરિસ્થિતિનો ખ્યાલ આવશે અત્રે ઉલ્લેખનીય છે કે યુક્રેન સાથે સુરતના ઘણા ઉદ્યોગો સંકળાયેલા હોવાનું કહેવાય છે. ચેમ્બર ઓફ કોમર્સ તમામ નાના-મોટા વેપાર-ધંધાઓની માહિતી મેળવીને તેઓ તલસ્પર્શી અભ્યાસ કર્યા પછી આ અંગે જાહેરાત કરશે.